સપના શર્મા/અમદાવાદ :અમદાવાદના પાલડીમાં એક ફ્લેટના રહીશો 365 દિવસ પીએ છે વરસાદનું પાણી. એટલું જ નહીં આ ફ્લેટના રહીશોએ પોતાના ઘરમાં આર.ઓ. સિસ્ટમ પણ નથી લગાવી. વરસાદનું પાણી પ્યૂરીફાય કરવા માત્ર પ્યૂરીફાયર લગાવ્યું છે અને બારેય મહિના ફ્લેટના તમામ લોકો વરસાદનું પાણી પીએ છે. ચૈત્ય સોસાયટીમાં રહેતા આસિત શાહની દીર્ઘદ્રષ્ટિના કારણે તેમના ફ્લેટના તમામ રહીશો વરસાદનું પાણી પીને અનેક રોગોથી મુક્ત રહી શક્યા છે. આ ફ્લેટના રહીશો એક વર્ષ સુધી દોઢ લાખ લીટર વરસાદનું પાણી સંગ્રહ કરીને પીવા માટે રાખે છે અને બાકીનું 12-13 લાખ લીટર વરસાદનું પાણી પરકોલેટિંગ વૉલ બનાવીને ભૂગર્ભમાં ઉતારે છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહનો દેશવાસીઓને સંકલ્પ લેવડાવી રહ્યા છે ત્યારે અમદાવાદની ચૈત્ય સોસાયટીના રહીશો આખા દેશને નવી દિશા બતાવી રહ્યા છે. તેઓ જે વરસાદનું પાણી સંગ્રહ કરે છે તેનું દર ત્રણ મહિને ટેસ્ટિંગ કરવામાં આવે છે. દરેક ઘરને રોજ 40 લીટર વરસાદનું પાણી પીવા માટે આપવામાં આવે છે. આ માટે આસિત શાહે પોતાના ફ્લેટની સ્કીમમાં 80 લાખ રૂપિયાનો ખર્ચ કરીને વરસાદી પાણીના સંગ્રહની સુવિધા ઊભી કરી છે. જો કે કોઈ પણ ફ્લેટના રહીશો માત્ર પરકોલેટિંગ વૉલ બનાવે તો માત્ર 8 થી 10 લાખ રૂપિયા ખર્ચ થાય છે. એટલું જ નહીં હવે અમદાવાદ મહાનગર પાલિકા 80 ટકા જેટલી રકમ સહાય પેટે આપે છે. જેથી કુદરત આપણને વરસાદ સ્વરૂપે જે પાણી આપે છે તેનો સંગ્રહ કરીને જમીનમાં ઉતારી શકાય.