યુવકોને ડ્રગ્સ પેડલર બનાવતી રૂપસુંદરી ઝડપાઇ, એક જ ગેમમાં પાડતી સોદો, 100 હાઈપ્રોફાઈલ લોકોનો નંબરની ડાયરી પણ મળી
Crime News : એસઓજીએ ચાર લોકોની 2.93 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરી, યુવતી ખાસ ડ્રગ્સનો ધંધો કરવા આવી હતી મુંબઇથી ગુજરાત
Crime News ઉદય રંજન/અમદાવાદ : ડ્રગ્સના ધંધા માં હવે યુવતીઓ પણ સંડોવાઈ રહી છે. આવી જ એક યુવતી સહિત ચાર લોકોની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી યુવતી અનેક સમયથી મુંબઈથી ગુજરાતમાં આવી યુવાનો અને તેમાંય ડ્રગ એડિક્ટ લોકોને ફસાવતી હતી. આવા લોકોનો સંપર્ક કરી પૈસા ઉધાર આપી પૈસા પરત ન આપી શકે તો આ યુવાનોને ડ્રગ પેડલર બનાવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો સાથે પોલીસને એક ડાયરી પણ મળી આવી છે, જેમાં અનેક ડ્રગ એડિક્ટ યુવક અને હાઇપ્રોફાઇલ પરિણીત યુવતીઓના નામ પણ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ એસઓજી ક્રાઇમે ગ્રાઉન્ડ ઝીરો ઓપરેશન પાર પાડ્યું છે. એસઓજીએ ડ્રગ્સ કબજે કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક યુવતી સહિત ત્રણ યુવકો ઝડપાયા છે. આરોપી રૂપસુંદરી એવી આ યુવતી ડ્રગ્સ વેચવા ખાસ મુંબઈથી ગુજરાત આવતી અને હોટલમાં રોકાતી હતી. તે પહેલા યુવકોને શોધતી બાદમાં તેમની સાથે સંબંધો કેળવતી મિત્રતા કરતી અને પછી રૂપિયા ઉછીના આપતી હતી. જો લીધેલા રૂપિયા આ યુવકો પરત ન આપે તો તેઓને ડ્રગ પેડલર બનાવતી હતી. આ કેસમાં સૂત્રોનું કહેવું છે કે, પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આશરે 100 ગ્રાહકોના નંબર પણ છે. જે ગ્રાહકોમાં હાઈપ્રોફાઈલ યુવકો અને યુવતીઓનો સમાવેશ થાય છે.
હાલ એસઓજીએ આ રૂપસુંદરી એવી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને તેની સાથે શાહબાઝ ખાન પઠાણ, જૈનિષ દેસાઈ અને અંકિત શ્રીમાળીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાસેથી એસઓજીએ 2.96 લાખનું 29 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે આરોપીઓને શાહપુર પાસેથી એક કારમાંથી ઝડપી લીધા બાદ કારની તપાસી કરતા આ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને સરફરાઝ ખાન પઠાણ છે. આ તમામ લોકો ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા હતા. આરોપી યુવતી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અનેક મહિનાઓથી ગુજરાતમાં આવતી-જતી હતી. અહીં આવી એક હોટલમાં રોકાતી અને સાથે જ રાત્રિના સમયે કેફે જેવી જગ્યાઓ પર જઈને યુવકનો સંપર્ક કરતી હતી. સંપર્કમાં આવેલા યુવકો સાથે મિત્રતા કરતી અને બાદમાં આવા યુવકો પર રૂપિયા ફેંકતી હતી. રૂપિયા પરત ન આપે તો યુવકોને ડ્રગ ડિલર બનાવી દેતી હતી. યુવકો પણ રૂપિયાની બાબતમાં ફસાયા હોવાથી આ આરોપી યુવતી કહે તેમ ડ્રગ્સની ખેપ મારવા મજબૂર બન્યા હતા. જો કે આ પેડલરો પણ ડ્રગ્સના બંધાણી હોવાનુ સામે આવ્યું છે.
યુવતી સાથેના અન્ય આરોપીઓ ડ્રગ ડીલર બન્યા પણ સાથે તેઓ ડ્રગ એડિક્ટ પણ છે. આ યુવતી રહેનુમા ખાન ઉર્ફે સિઝા પણ ડ્રગ એડિકટ હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસને જે ડાયરી મળી આવી છે, તેમાં આશરે 100 હાઈપ્રોફાઈલ યુવક યુવતીઓના નામ અને નંબર પણ મળી આવ્યા છે. જેમાં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ તો કેટલીક પરિણીત યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે તમામ લોકોનો પોલીસ સંપર્ક કરી તેઓને નશાની લતમાંથી છોડાવવાની કામગીરી કરશે.
આ ગુનામાં પેડલર તરીકે ઝડપાયેલા જૈનિષ દેસાઈની પત્ની ખ્યાતનામ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. નવરંગપુરા ખાતે આવેલા કરોડોના બંગલામાં બેસી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને શાહબાઝ ખાન જૈનિષને ડ્રગ વેચવા મજબરુ કરતા હતા. ઉપરાંત ડ્રગ્સ સપ્લાયરના ત્રાસથી છૂટવા આરોપી જૈનિષે પરિવાર પાસેથી લાખો રૂપિયા લાવી આરોપીઓને ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે. ત્યારે આગામી સમયમાં આ ગુનામાં કેટલા અન્ય લોકોના નામ સામે આવે છે તે જોવાનું રહેશે.