અમદાવાદીઓમાં ફફડાટ! કોરોના કેસમાં વધારા વચ્ચે સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનાં દર્દીઓની સારવાર માટે સ્પેશિયલ વોર્ડની સુવિધા છે. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં 80 બેડ ઉપલબ્ધ છે. જ્યારે 36 વેન્ટિલેટર બેડ પણ સ્વાઇન ફ્લૂનાં દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ માટે ફફડાટ ફેલાય તેવા સમાચાર મળી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. જી હા.. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, જે દર્દીનું આજરોજ મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનાં દર્દીઓની સારવાર માટે સ્પેશિયલ વોર્ડની સુવિધા છે. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં 80 બેડ ઉપલબ્ધ છે. જ્યારે 36 વેન્ટિલેટર બેડ પણ સ્વાઇન ફ્લૂનાં દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
વડોદરામાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા
બીજી બાજુ, વડોદરામાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સીઝનલ ફ્લૂ (સ્વાઇન ફ્લૂ)ના એક જ દિવસમાં 9 કેસ નોંધાયા છે. સીઝનલ ફ્લૂના વર્ષ 2020માં 9, 2021માં 16, જ્યારે 2022ના 7 મહિનામાં જ 87 કેસ નોંધાયા છે. 14 હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. સયાજી હોસ્પિટલમાં પણ 22 બેડનો અલાયદી વોર્ડ તૈયાર કરાયો છે.
સયાજી હોસ્પિટલના મેડીસીન વિભાગના હેડ ડો રૂપલ દોશીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલમાં એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. રોજ OPDમાં 50 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube