ભાવિના પટેલની સાથે ગુજરાતની વધુ એક પેરાખેલાડીએ ઇજપ્ત પેરા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અપાવ્યું મેડલ, ટુર્નામેન્ટમાં ત્રીજું ટાઇટલ જીતાડ્યું
ફાઇનલમાં ગુજરાતની જોડીએ ઇજિપ્તના ફાતમા હુસૈન અને મોહમ્મદ સમેશ ઇદ સાલેહ સામે ગ્રૂપ-3ની મેચના પરાજયનો બદલો લઈને 7-11, 11-9, 12-10, 11-7થી વિજય હાંસલ કર્યો હતો. આ સફળતાએ સોનલને ટુર્નામેન્ટમાં ત્રીજું ટાઇટલ અપાવ્યું હતું.
અતુલ તિવારી/અમદાવાદ: ઇસ્માઇલિયા (ઇજિપ્ત) ખાતે યોજાયેલી ફા40 ઇજપ્ત પેરા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો અંતિમ દિવસ ગુજરાતની સોનલ પટેલ માટે મિશ્ર સફળતા લાવનારો દિવસ રહ્યો, જ્યારે પેરાલિમ્પિક્સ સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અંતિમ દિવસે સોનલ પટેલ બે મેડલની હોડમાં હતી અને તેણે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરીને મિક્સ ડબલ્સ ક્લાસ XW4-7ની ફાઇનલમાં ગુજરાતના જ રમેશ ચૌધરી સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં ગુજરાતની જોડીએ ઇજિપ્તના ફાતમા હુસૈન અને મોહમ્મદ સમેશ ઇદ સાલેહ સામે ગ્રૂપ-3ની મેચના પરાજયનો બદલો લઈને 7-11, 11-9, 12-10, 11-7થી વિજય હાંસલ કર્યો હતો. આ સફળતાએ સોનલને ટુર્નામેન્ટમાં ત્રીજું ટાઇટલ અપાવ્યું હતું.
જો કે વિમેન્સ ડબલ્સ ક્લાસ WW5-10ની ફાઇનલ મિક્સ ડબલ્સની ફાઇનલની થોડી મિનિટો બાકી જ હતી, જેમાં સોનલ તેનું ફોર્મ જાળવી શકી ન હતી. આ વખતે કુવૈતની મલક અલી સાથે મળીને સોનલે પ્રથમ ગેમ તો 12-10થી જીતી હતી. પરંતુ તે શારિરીક પડકાર ઝીલી શકી ન હતી. ઇરાકની હાદિલ અને રુસુલ અલ વાએલીએ તેમનું વર્ચસ્વ જાળવી રાખીને બાકીની ત્રણ ગેમ જીતી ભારત-કુવૈતની જોડીને 11-8, 11-6, 11-8થી હરાવી ટાઇટલ જીતી લીધું હતું.
બીજી તરફ ભાવિનાએ અગાઉ વિમેન્સ ડબલ્સમાં સોનલ અને મલક સામેના પરાજયની નિરાશા ખંખેરીને શાનદાર દેખાવ કર્યો હતો. આ વખતે ગુજરાતના જ જશવંત ચૌધરી સાથે જોડી બનાવીને તેણે મિક્સસ ડબલ્સ ક્લાસ XW10 ટાઇટલ જીત્યું હતું. ભારતની જ ઉષા રાઠોડ અને ત્રિવેન્દ્રસિંઘની જોડી સામે પરાસ્ત થઈ હોવા છતાં ભાવિના અને જશવંતની જોડીએ ઇજિપ્તના વફા મોહમ્મદ યુનુસ અને અયમાન કમાલ અબ્દેલગફાર ઝેનાતીની જોડી સામે 4-11, 11-8, 11-6, 11-9થી વિજય હાંસલ કર્યા બાદ અન્ય એક સ્થાનિક જોડી કરાલ્લી સબાહ અને ઇહાબ ફેતિર સામે 11-5, 11-4, 11-5થી વિજય હાંસલ કર્યો હતો.
અંતિમ ગ્રૂપ મેચમાં ગુજરાતની આ જોડીએ સંઘર્ષ કરીને સ્થાનિક જોડી ફૈઝા મહેમૂદ અને હસન તોલ્બાને 11-7, 5-11, 11-7, 7-11, 11-8થી હરાવીને મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. ભારતના આ પ્રકારના શાનદાર પ્રદર્શન છતાં થોડી નિરાશા પણ હાથ લાગી હતી. કેમ કે જશવંત અને રમેશની જોડી મેન્સ ડબલ્સ ક્લાસ MW8 ગ્રૂપ-3માં નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યા હતા અને અંતિમ સ્થાને રહ્યા હતા.
જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, સોનલે તેની કારકિર્દીનું પ્રથમ ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યા બાદ તેની મેડલની યાદીમાં વધુ એક મેડલનો ઉમેરો કર્યો. જો તેને શારીરિક પડકારનો સામનો કરવા માટે થોડો સમય મળી ગયો હોત તો તેની મેડલની સંખ્યામાં હજી પણ વધારો કરી શકી હોત. જોકે મને ખાતરી છે કે તે ચોક્કસ વળતો પ્રહાર કરીને પુનરાગમન કરશે અને દેશને વધુ ગૌરવ અપાવશે.
“ભાવિના ચેમ્પિયન છે તે પુરવાર થઈ ગયું છે અને વિમેન્સ ડબલ્સના પરાજય બાદ તેણે જે રીતે વળતો પ્રહાર કર્યો અને મિક્સ ડબલ્સની ફાઇનલમાં જે રીતે પ્રદર્શન કર્યું તે બાબત તે માનસિક રીતે કેટલી મજબૂત છે તે પુરવાર કરે છે.”