ચાંદખેડામાં તસ્કરો બેફામ: ચોરીનો આ આઇડિયા જોઇને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ, 10 દિવસમાં બીજી ઘટના
એક જ મોડસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ બીજી ચોરીને અંજામ આપ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં બાજુની દુકાનમાં બાકોરું પાડીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો અને અંદાજે પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
ઉદય રંજન/અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં બીજી ચોરીનો બનાવ બનતા પોલીસની ઉંઘ હરામ થઇ ગઈ છે. એક જ મોડસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ બીજી ચોરીને અંજામ આપ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં બાજુની દુકાનમાં બાકોરું પાડીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો અને અંદાજે પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ લાખો રૂપિયાની દુકાનવાળા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે આજે બનેલી ઘટનાના પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા IOC રોડ ઉપર દસ દિવસમાં ચોરીની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. આજથી 10 દિવસ અગાઉ પણ આજ વિસ્તારમાં તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ બનાવી હતી, અને અંદાજિત 10 લાખથી વધુના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે આજે પણ ગજાનંદ જ્વેલર્સની દુકાનમાં તસ્કરો એ હાથ ફેરો કર્યો છે. જેમાં લગભગ રૂપિયા 5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા છે. સામાન્ય રીતે મોડી રાત્રે તસ્કરો ચોરી કરતા હોય છે અને આવા સમયે પોલીસ પણ પેટ્રોલિંગ હાથ ધરતી હોય છે. પરંતુ પોલીસના પેટ્રોલિંગમાં ક્યાંક કોઈ કચાસ રહી જતી હોય તેમ લાગી રહ્યું છે, જેથી કરીને વારંવાર ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં આ બીજી ચોરીની ઘટના સામે આવીને ઉભી રહી ગઈ છે.
આજથી દસેક દિવસ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં પણ તસ્કરો ત્રાટકયા હતા. જેમાં પૂજાપાની દુકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હજુ તો પહેલી ચોરીના આરોપીઓ પોલીસ પકડથી ફરાર છે ત્યાં તો ફરી એક વખત સ્ટેશનરીની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ ચોરી કરી લીધી હોવાનો બનાવ સામે આવતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે.
ચાંદખેડા વિસ્તારના IOC રોડ ઉપર બંને ચોરીની ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ સહિત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આજથી લગભગ દસેક દિવસ અગાઉ પણ જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરી અને આજે પણ જ્વેલર્સની દુકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવીને પોલીસ સામે ખુલ્લી ચેલેન્જ મૂકી હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube