ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે ઢોર માર માર્યો, ગળાને ભાગે ઈજા
અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલમાં હંગામો થયો છે. આભાકાર્ડનું ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે વિદ્યાર્થીને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ સાથે જ પરિવારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે..
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરની ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નાલંદા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નાલંદા સ્કૂલમાં હંગામો પણ થયો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ગળાના ભાગે ઇજા પહોંચી છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આભાકાર્ડનું ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે ઢોર માર માર્યો છે. વિદ્યાર્થીને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે. પરિવારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ ઉઠાવી છે. આ અંગે વાલીએ આક્ષેપ કર્યો કે કિરીટ પટેલ નામના શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે. જોકે આ અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર્યો હોવાના આક્ષેપ વાલીએ કર્યો હતો.
વાલીઓના નિવેદન લઈને AEI યોગ્ય તપાસ હાથ ધરશે
નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની માહિતી મીડિયા મારફતથી મળી હતી. મીડિયા મારફતે માહિતી મળતા AEIને તપાસ સોંપવામાં આવી છે. AEI શાળા પર જઈને સ્થળ તપાસ કરશે. વાલીઓના નિવેદન લઈને AEI યોગ્ય તપાસ હાથ ધરશે. શાળાના CCTVના આધારે સ્થળ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શિક્ષકનું પણ નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો શિક્ષકે માર માર્યો હશે તેવું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. AEI ના રિપોર્ટ બાદ નિયમ પ્રમાણે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.
અમે દિકરાને માર ખાવા માટે સ્કુલે મોકલતા નથી: માતા
નાલંદા સ્કૂલના શિક્ષકએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીના માતાએ આક્ષેપ કર્યો હતો કે મારો દિકરો છેલ્લા એક મહિનાથી આભાકાર્ડનું ફોર્મ લઇને આવતો હતો. એક દિવસ જ્યારે તે ફોર્મ ઘરે ભુલી ગયો તે દિવસે શિક્ષક દ્વારા માર મરાયો છે. ગળાના ભાગે માર મારતાં ગંભીર ઇજા પહોંચી છે. જો વિદ્યાર્થી ભુલ કરે તો તેને સ્કુલ સસ્પેન્ડ કરે છે, આ કિસ્સામાં શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે. માતાએ જણાવ્યું હતું કે અમે દિકરાને માર ખાવા માટે સ્કુલે મોકલતા નથી. જો ભણવા કે સ્કુલના નિયમ પાલન ન કર્યુ હોય અને માર મરાયો હોય તો અમે કોઇ વિરોધ કર્યો નથી.
શિક્ષક પાસે માફીનામુ લખવામાં આવ્યું
નોંધનીય છે કે, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વાલીએ શાળામાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. બાળકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવાર શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યો છે. પરિવારની માંગને પગલે સ્કુલ મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે. કાલે 3.30 વાગે વાલીએ ફરિયાદ કરી હતી. શાળાનો રુલ છે કે કોઈને માર મારવામાં આવતો નથી. શિક્ષક પાસે માફીનામુ લખવામાં આવ્યું છે. બે દિવસમાં શિક્ષકના સસ્પેન્ડ અંગે મૅનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે.