AHMEDABAD: કેન્દ્રીય ટીમે સિવિલનાં કોરોના હોસ્પિટલની સુવિધા અંગે વ્યક્ત કર્યો સંતોષ
રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરીને આ જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નશીલ છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ કે એ-સિમ્પટોમેટિક દર્દીઓ આઈસોલેશનમાં રહે તો તેમના પરિવારજનો અને અન્ય વ્યક્તિઓમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આવા સંજોગોમાં આવા દર્દીઓને પ્રાઈવેટ નર્સિંગ હોમ, કોમ્યુનિટી હોલ કે કોવિડ કેર સેન્ટર જેવી વ્યવસ્થામાં રાખી શકાય. અને જ્યાં વેન્ટિલેટર કે ICCUની આવશ્યકતા નથી એવા સારવારના સ્થળો તાત્કાલિક વધારવાની આવશ્યકતા છે.
અમદાવાદ : સ્થિત મેડિસીટીમાં કોવીડ સંલગ્ન સુવિધાઓના રિવ્યૂ માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે. જોધપુર એઈમ્સના ડો. અશોકના વડપણ હેઠળ રચાયેલી કેન્દ્રીય ટીમના સભ્યોએ મેડિસિટીની મુલાકાત લઈ જાતમાહિતી મેળવી હતી. આ કેન્દ્રીય ટીમમાં ડો.સંદિપ,ડેપ્યુટી ડાયરેક્ટર, NLDC અને ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર વી.કે.રાજનનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી.મોદીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં કોવીડ સંદર્ભે થયેલી કામગીરીની રુપરેખા આપી હતી. ડો. મોદીએ કેન્દ્રીય ટીમને પ્રવર્તમાન સ્થિતિ અંગે પણ વાકેફ કરી આ અંગે હાથ ધરાઈ રહેલા આયોજનની રુપરેખા પણ આપી હતી.
કેન્દ્રીય ટીમના સભ્યોએ દર્દીઓની સંખ્યા, તેમને મળતી સુવિધાઓ, માળખાગત સુવિધા અને આવશ્યક દવાના પુરવઠા સંદર્ભે પૃચ્છા કરી હતી. ડો. મોદીએ આ તબક્કે મેડિસિટીમાં બેડની સંખ્યા વધારવા માટે હાથ ધરાયેલા આયોજન અંગે પણ કેન્દ્રીય ટીમને માહિતગાર કરી હતી. ડો. મોદીએ કેન્દ્રીય ટીમને મેડિસીટીમાં દર્દીઓને અપાતી વિવિધ સુવિધાઓથી માંડીને તેમના ડિસ્ચાર્જ સુધીની પ્રક્રિયા વર્ણવી હતી. તેમણે મેડિસિટીના નવનિર્મિત બિલ્ડીંગને ડેડિકેટેડ કોવીડ હોસ્પિટલમાં કઈ રીતે પરિવર્તિત કરવામાં આવી તેનો ચિતાર આપ્યો હતો અને ભવિષ્યના આયોજન અંગેની વિગતો પણ આપી હતી. કોવીડમાં સંક્રમણને અટકાવવા મશીનોના સ્ટરલાઈઝેશનની વ્યવસ્થા અને ઈન્ફેક્શન કંટ્રોલ માટે અપનાવાતી વિવિધ પ્રક્રિયાઓ અંગે પણ કેન્દ્રીય ટીમને માહિતી પુરી પાડી હતી. ડો. મોદીએ તેમના પ્રેઝન્ટેશનમા જણાવ્યું હતું કે, કોવીડ પ્રોટોકોલના પાલન માટે સ્ટાફને નિયમિત ધોરણે ટ્રેઈનિંગ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ૧૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલી મેડિસીટીના પ્રબંધનથી કેન્દ્રીય ટીમ પ્રભાવિત થઈ હતી. કેન્દ્રીય ટીમ સાથેના વિચાર-વિમર્શમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોદી સાથે વિવિધ વિભાગના વરિષ્ઠ તબીબો પણ જોડાયા હતા. કેન્દ્રીય ટીમની આ મુલાકાત પૂર્વે સિવિલના વહીવટીતંત્ર સાથે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશનર હર્ષદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ પણ બેઠક યોજી કોવીડની પ્રવર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા કરી અને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા.