AHMEDABAD: ફાયર વિભાગમાં થશે મોટા પ્રમાણમાં ભરતી, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી
શહેરમાં આગ અકસ્માતની વધતી ઘટનાઓને લઈને ફાયર સ્ટેશનની ઘટના બમણી કરવાનું આયોજન કરવા માટેની વિચારણા ચાલી રહી છે. શહેરમાં હાલ કાર્યરત 15 ફાયર સ્ટેશનની સંખ્યા વધારીને 40 ફાયર સ્ટેશન ઉભા કરવાની તૈયારી કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે. આગામી બે વર્ષમાં વધુ 7 ફાયર સ્ટેશન અને 20 ફાયર ચોકી બનાવવા માટેનું આયોજન થઈ રહ્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ : શહેરમાં આગ અકસ્માતની વધતી ઘટનાઓને લઈને ફાયર સ્ટેશનની ઘટના બમણી કરવાનું આયોજન કરવા માટેની વિચારણા ચાલી રહી છે. શહેરમાં હાલ કાર્યરત 15 ફાયર સ્ટેશનની સંખ્યા વધારીને 40 ફાયર સ્ટેશન ઉભા કરવાની તૈયારી કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે. આગામી બે વર્ષમાં વધુ 7 ફાયર સ્ટેશન અને 20 ફાયર ચોકી બનાવવા માટેનું આયોજન થઈ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં દર બે કિલોમીટરે એક ફાયર ચોકી ઉભી કરવાની વિચારણા ચાલી રહી છે. અમદાવાદ ફાયર & ઈમરજન્સી સર્વિસીસના ચીફ ઓફિસર રાજેશ ભટ્ટે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે, આગ અકસ્માતની ઘટનામાં હાલ રિસ્પોન્સ ટાઈમ 15 થી 20 મિનિટ જેટલો છે. જેના બદલે રિસ્પોન્સ ટાઈમ ઘટાડી ઝડપથી અકસ્માતના સ્થળે તાત્કાલિક ફાયરના બે વાહનો પહોંચે એવું આયોજન શરૂ છે.
હાલ જે ફાયર સ્ટેશન કાર્યરત છે એ સિવાય દાણાપીઠ ફાયર સ્ટેશનનું રી- ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. વધુ બે ફાયર સ્ટેશનના લોકાર્પણની પણ તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક જ સમયમાં નરોડા GIDC અને નિકોલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાશે. બોપલ ફાયર સ્ટેશનની 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. નવા ફાયર સ્ટેશન બનાવવા માટે વાસણામાં બે પ્લોટ ફાળવવા અંગેની કામગીરી ચાલી રહી છે.
હાલ કાર્યરત 15 ફાયર સ્ટેશનમાં અંદાજે 800 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે. અંદાજે 250 ફાયર કર્મચારીઓની હાલમાં પણ ઘટ છે. આ ઘટ સાથે જ ફાયર સ્ટેશનનુ સંચાલન થઇ રહ્યુ છે. ફાયર સ્ટેશનની સંખ્યા 15 થી વધીને 40 થાય તો વધુ 1 હજાર કર્મચારીઓની ભરતી કરવી પડે. આ સ્થિતિમાં રોજગારીની તકોમાં પણ વધારો થશે. ફાયર સ્ટેશન વધે તો કર્મચારીઓની ભરતી કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.