ઝી ન્યૂઝ/ખેડા: ફરી એકવાર ગત મોડીસાંજે લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની છે. નડિયાદ નજીક લક્ઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે પેસેન્જરો બસની બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. અચાનક આગ લાગતા અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. બસમાં અચાનક આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગત મોડી સાંજે લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી. નડિયાદ નજીક પેસેન્જર ભરેલ લકઝરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લક્ઝરી બસ અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી. તે દરમિયાન નડિયાદથી 3 કિલોમીટર પહેલા લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાલકન ટ્રાવેલ્સની લકઝરી બસ નં. જીજે 36 ટી 9997 અમદાવાદથી પેસેન્જર ભરીને ઉપડી હતી. ત્યારે આગ લાગતા જ ડ્રાઇવર અને કંડકટર સળગતી બસમાં પેસેન્જરને મુકીને ફરાર થયા હતા.


આગની ઘટનાંની જાણ થતાં એક્સપ્રેસ હાઇ-વે પેટ્રોલિંગની ટીમ દ્વારા અમદાવાદથી વડોદરા તરફ જતો હાઇવે 1 કલાક સુધી બંધ કરાયો હતો. બસમાં કુલ 35 જેટલા મુસાફરો સવાર હતા. સદનસીબે તમામ પેસેન્જરો પોતાનો જીવ બચાવીને સુરક્ષિત બસમાંથી બહાર નીકળી ગયા હતા. આગ લાગતાં બસમાં બેઠેલા પેસેન્જરો બસના દરવાજેથી નીકળ્યા તો અમુક મુસાફરો જીવ બચાવવા બસની બારીમાંથી બહાર છલાંગ લગાવી હતી.


લક્ઝરી બસમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઈ નથી. પરંતુ મુસાફરોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. નડિયાદ ફાયર બ્રિગેડને કોલ કરતા તુરંત ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube