ઝી બ્યૂરો, અમદાવાદઃ આવતીકાલે જામશે લગ્નસરાની મોસમ. એક સાથે હજારોની સંખ્યામાં વરરાજાઓ રસ્તાઓ પર જાનૈયાઓનો કાફલો લઈને લગ્ન કરવા નીકળશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોમાં જોવા મળશે એક જ પ્રકારનો નજારો. જીહાં, વર્ષોથી પૈણું પૈણું કરતા છોરાઓ આવતી કાલે ધામધૂમથી પૈણવા નીકળશે. કારણકે, આવતીકાલે 10 મે ના રોજ અખાત્રીજનું મુહૂર્ત છે. અખાત્રીજે વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે, અર્થાત એ દિવસે આખો દિવસ બધા જ ચોઘડિયા સારા હોય છે, ગમે ત્યારે તમે લગ્ન સહિતના સારા કાર્યો કરી શકો છો. એ જ કારણ છેકે, આવતી કાલે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં પાર્ટી પ્લોટ અને હોટલો લગ્ન માટે પહેલાંથી જ બુક થયેલી છે. બીજું કારણ એ પણ છેકે, મે મહિનામાં એક અખાત્રીજ જ સૌથી શુભ મુહૂર્ત હોવાથી લોકોએ આ દિવસને જ લગ્ન માટે પસંદ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં 4 હજારથી વધુ અને ગુજરાતમાં કાલે 25 હજારથી વધુ લગ્નોઃ
ઉલ્લેખની છેકે, 18 એપ્રિલથી લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 2024માં લગ્ન માટે માત્ર 6 મુહૂર્ત બાકી રહ્યા છે. જ્યોતિષીના જણાવ્યા અનુસાર આ વર્ષે લગ્નના કુલ 44 જ મુહૂર્તનો સમાવેશ થયો હતો. 10 મેએ અખાત્રીજે સૌથી સારું મૂહૂર્ત છે. અખાત્રીજને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે માત્ર અમદાવાદ શહેરમાં જ 4 હજારથી વધુ લગ્ન થવાના છે. જ્યારે આખા ગુજરાતમાં અન્ય શહેરોની વાત કરીએ તો આવતીકાલે રાજ્યભરમાં 25 હજાર કરતા વધારે લગ્નો થવાના છે. તેમજ વાસ્તુપૂજન, યજ્ઞોપવિત જેવા શુભકાર્યો થતા હોય છે. અખાત્રીજે સમગ્ર દિવસ દરમિયાન સવારે 9.13થી 10.22 મૂહુર્ત સર્વ શ્રેષ્ટ મહુર્ત છે


લગ્ન માટે કયું મુહૂર્ત છે સૌથી શ્રેષ્ઠ?
અખાત્રીજ નિમિત્તે શહેરના મુખ્ય પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારના તમામ મોટા પાર્ટી પ્લોટોનું 4 મહિના અગાઉથી એડવાન્સમાં બુકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે 17 જુલાઈએ ચાતુર્માસ શરૂ થતા હોવાથી 5 જ મુહૂર્ત થઈ છે. એ પછી કોઈ માંગલિક કાર્યો નહીં થાય. આ સમયગાળા દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા હોતા નથી. નવા વર્ષ વિક્રમ સંવત 2081માં દેવઉઠી એકાદશી પછી માંગલિક પ્રસંગો શરૂ થતા હોય છે.


વરરાજા વધુ અને ગોર મહારાજ ઓછા!
મે મહિના બાદ જૂનમાં એક પણ શુભ મહુર્ત નથી, જયારે જુલાઈમાં માત્ર 5 જ દિવસ શુભ મહુર્ત છે. ગોર મંડળમાં 1200 જેટલા મુખ્ય બ્રાહ્મણોનો સમાવેશ થાય છે. આ દિવસો દરમિયાન એક ભુદેવને એક સાથે 6થી વધુ જગ્યાએ લગ્ન કરવામાં પડશે. આ તમામ ભૂદેવોનું 6 માસ અગાઉથી એડવાન્સમાં બુકિંગ કરાયું હતું. લગ્નના, ઘરના વાસ્તુના અને જનોઈ જેવા શુભ કાર્ય માટે બુકીંગ કર્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ એવી થઈ છેકે, વરરાજાની સંખ્યા વધી ગઈ છે અને તેની સામે ગોર મહારાજ ઓછા પડી રહ્યાં છે. એટલે જ એક એક ગોર મહારાજ પાસે આવતીકાલે બબ્બે લગ્નોના ઓર્ડર બુક થયેલાં છે.