અમદાવાદઃ ગુજરાતની ધરતી પર વધુ એક ઈતિહાસ રચાવાનો છે. હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. સવારે 11.40 કલાકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરશે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિના બે દિવસીય ભારતની સત્તાવાર યાત્રાની શરૂઆત ગુજરાતની ધરતી પરથી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટથી શરૂ થશે 22 કિલોમીટરનો રોડ શો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એરપોર્ટથી 22 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરશે. આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી શરૂ થઈને, હોટલ તાજ ઉમ્મેદ, ડફનાલા, રિવરફ્રન્ટ, સુભાષ બ્રિજ, સાબરમતી ગાંધી આશ્રમ. અમેરિકાના રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની ટૂંકી મુલાકાત લેવાના છે. ત્યારબાદ એરપોર્ટ સર્કલ હોટલ ઉમ્મેદથી ઈન્દિરા બ્રિજ, ભાટ ગામ 3 રસ્તા, કોટેશ્વર મહાદેવ મંદિર થઈને મોટેરા સ્ટેડિયમ ખાતે રોડ શો પૂરો થશે. રોડ શોમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સામેલ થશે. 


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત સમારોહ નમસ્તે ટ્રમ્પ પહેલા ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાત પહોંચીને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. અમિત શાહ પણ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમિત શાહને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ તમામ સુરક્ષા વ્યવસ્થા તથા તૈયારીની માહિતી આપી હતી. રોડ શો દરમિયાન ગુજરાત પોલીસને હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવી નથી. દેશ તથા દુનિયામાં રોડ શોના લાઇવ માટે 35 કિમી ફાઇબર કેબલ લગાવવામાં આવ્યો છે, આશરે 80 કેમેરાથી તેનું પ્રસારણ કરવામાં આવશે. તો દૂરદર્શન 90 કેમેરાથી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનું કવરેજ કરશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદીની સુરક્ષામાં આશરે 20 હજાર અધિકારી તથા જવાન તૈનાત રહેશે. 


એરોર્ટ પર અપાશે ગાર્ડ ઓફ ઓનર
અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, નમસ્તે ટ્રમ્પ સમારોહમાં સામેલ થવા માટે પીએમ મોદી સવારે 11 કલાકે એરપોર્ટ પહોંચશે, આશરે 30 મિનિટ બાદ ટ્રમ્પ પરિવાર સહિત અહીં પહોંચશે. સેનાની ત્રણેય વિંગ ગાર્ડ ઓફ ઓનર આપશે. બંન્ને નેતા રોડ શો કરતા એરપોર્ટથી ગાંધી આશ્રમ, આશ્રમથી સીધા મોટેરા સ્ટેડિયમ પહોંચશે. ટ્રમ્પ બપોરે 3 કલાકે અમદાવાદથી આગરા માટે રવાના થશે. તેમની સુરક્ષામાં એસપીજી, એનએસજી, ડીઆરડીઓ, એરફોર્સ, આર્મી, બીએસએફ, એસઆરપી, ગુજરાત પોલીસ, અર્ધસૈનિક દળ, બોમ્બ ડિસ્પોજલ ટમ, સ્નિફર ડોગ વગેરે તૈનાત રહેશે. વીઆઈપી મહેમાન, મીડિયા તથા લોક બસો દ્વારા નિર્ધારિત રૂટથી સ્ટેડિયમ પહોંચશે. 


સમારોહ માટે આશરે 100 કરોડ રૂપિયાનો ખર્ચ
સમારોહ પર આશરે 100 કરોડ રૂપિયા ખર્ચ થશે, જેમાં સૌથી વધુ 60 કરોડ રોડના રિસફ્રેસ કરવા પર, 10 કરોડ ટ્રાન્સપોર્ટ તથા ચા નાસ્તો, 20 કરોડ રૂપિયા સુરક્ષા તથા છ કરોડ રૂપિયા માર્ગ તથા સ્ટેડિયમના શણગાર માટે ખર્ચ થશે. 


થીમ સોંગ મોદીનો દમ-નમસ્તે ટ્રમ્પ
સ્ટેડિયમમાં લોક કલાકાત થીમ સોંગ મોદીનો દમ-નમસ્તે ટ્રમ્પ રજૂ કરીને ટ્રમ્પ તથા મોદીનું સ્વાગત કરશે. ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જનનું પણ ગાન કરવામાં આવશે.  સંગીતકાર એ આર રહમાન, સૂફી ગાયક કૈલાશ ખેર, ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવી, સાઈરામ દવે, ગીતા રબારી, પાર્થિવ ગોહિલ, કિંજલ દવે વગેરે પ્રસ્તુતિ આપશે. 


ખાસ મહેમાન
મહાનાયક અમિતાભ બચ્ચન, સાંસદ તથા અભિનેત્રી હેમા માલિની, મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર તથા કપિલ દેવ જેવી હસ્તિઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સિયાગ અનેક ગણમાન્ય લોકો, ઉદ્યોગપતિઓ પણ હાજર રહેવાના છે. 


શહેરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્યભરમાંથી ફોર્સ બોલાવવામાં આવી છે. જેમાં 33 ડીસીપી, 75 એસીપી, 300 પીઆઇ, 1000 પીએસઆઇ અને 12 હજાર જેટલા પોલીસ જવાનો, 2000 મહિલા પોલીસકર્મીઓ, 15 SRP કંપની, 3 RAF કંપની તેમના સુરક્ષા બંદોબસ્તમાં તેનાત રહેશે.


આ છે ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો કાર્યક્રમ
24 ફેબ્રુઆરી, સોમવાર


સવારે 11.40 કલાકે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના પરિવાર અને પ્રતિનિધિમંડળની સાથે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે. અહીં માત્ર સત્તાવાર તસવીરો લેવામાં આવશે. 


12.15 કલાકે
ટ્રમ્પ અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ પહોંચશે. 


બપોરે 1.05 કલાકે
મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપશે. 


બપોરે 3.30 કલાકે
આગરા માટે રવાના થશે.


સાંજે 4.45 કલાકે
આગરાના એરફોર્સ સ્ટેશન ઉતરશે


સાંજે 5.15 કલાકે
તાજમહેલની મુલાકાત લેશે


6.45 કલાકે
દિલ્હી માટે રવાના થશે


7.30 કલાકે દિલ્હીના પાલમ સ્થિત એરફોર્સ સ્ટેશન પર ઉતરશે


મંગળવાર, 25 ફેબ્રુઆરી


સવારે 10 કલાકે
રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે


સવારે 10.30 કલાકે
રાજઘાટઃ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પચક્ર અર્પિત કરશે


સવારે 11 કલાકે
પીએમ નરેન્દ્ર મોદીની સાથે હૈદરાબાદ હાઉસમાં બેઠક કરશે


બપોરે 12.40 કલાકે
હૈદરાબાદ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધિત કરશે


સાંજે 7.30 કલાકે
રાષ્ટ્રપતિ ભવન પહોંચશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે બેઠક કરશે


રાત્રે 10 કલાકે
અમેરિકા માટે રવાના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક


 


જુઓ LIVE TV