અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જે અંતર્ગત અમદાવાદમાં અત્યાર સુધી 2441111 રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે 1 લી મેથી 18 થી 44 વય જુથ માટે વેક્સીનેશનની શરૂઆત કરી હતી. પ્રાથમીક તબક્કે મુખ્ય શહેરોમાં 18 થી 44 વય જુથના લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. વેક્સીન માટે ઓનલાઇન બુકિંગ રાખવામાં આવ્યુ છે. પરંતુ વેક્સીના સ્લોટ ક્યારે ખુલે છે અને કયારે બંધ થાય છે તે અંગે મોટાભાગના નાગરીકો અજાણ છે. મ્યુનિસિપલ સુત્રોના જણાવ્યુ મુજબ વેક્સીન માટે દૈનિક 32000 સ્લોટ ખુલ્લા મુકવામાં આવે છે, જેની સામે 29500 જેટલા સ્લોટ બુક થાય છે. પરંતુ તેમાંથી 15 ટકા લોકો વેક્સીન લેવા આવતા જ નથી. કોરોના વેક્સીનની એક વાયલમાં 10 ડોઝ હોય છે. 


રસીનુ વાયલ તોડ્યા બાદ તેનો સંપુર્ણ વપરાશ ન થાય તો તેને ફેંકી દેવાની ફરજ પડે છે. ઓનલાઇન બુકિંગના કારણે દૈનિક 15 ટકા બુકિંગ કેન્સલ થતા હોય છે. આવા સંજોગોમાં વેક્સીન વેસ્ટેજ થાય છે. જેના કારણે 3 થી 4 હજાર ડોઝનો બગાડ થઇ રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ એએમસી દ્વારા પાછલા સપ્તાહ (5 જુન થી 11 જુન) દરમ્યાન 177499 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. જે પૈકી 18 થી 44 વયજુથ માં 149849 ડોઝ લગાવવામાં આવ્યા હતા. જેની દૈનિક સરેરાશ 21407 ડોઝ આવે છે. જ્યારે કે ઓનલાઇન બુકિંગ અંતર્ગત 29500 સ્લોટ બુક થયા હતા. આમ છેલ્લા સપ્તાહ દરમ્યાન 8093 સ્લોટ રદ્દ થયા હતા. 


જેથી વેક્સીનનો બગાડ થઇ રહ્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. શહેરમાં વેક્સીનના 2441111 ડોઝ લગાવવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ ડોઝમાં 1996860 અને બીજા ડોઝ તરીકે 444251 નાગરીકોએ રસી લીધી છે. જેમાં હેલ્થ વર્કરોની કેટેગરીમાં 176267, ફ્રન્ટલાઇન વર્કર તરીકે 256820 લોકોએ રસી લીધી છે. 18 થી 44 વયજુથમાં 865716, 45 થી 60 વયજુથમાં 584647 તેમજ 60 થી વધુના વયજુથમાં 557661 નાગરીકોએ રસી લીધી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઓનલાઇન બુકિંગ બંધ થાય અને સ્પોટ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવે, તો રસીનો બગાડ થતો અટકાવી શકાય તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube