ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના ન્યૂ રાણીપમાં આશ્રય-9 અને 10 નામની ફ્લેટની સ્કીમ મૂકનાર કેવલ વિઝન કોર્પોરેશનના ડાયરેક્ટર કેવલ મહેતાની બોપલ પોલીસે ધરપકડ કરી છે. કેવલ મહેતા સામે અત્યાર સુધીમાં અમદાવાદનાં જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં કુલ છ થી વધુ ગુના નોંધ્યા છે. અગાઉ પણ સાબરમતી પોલીસે કેવલ મહેતાની ધરપકડ કરી હતી. ત્યારે ફરી આ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરતા બિલ્ડર આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્ડર કેવલ મહેતા વિરુદ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં હઠીસિંહ ચૌધરી તેમજ રશ્મિકાંત રાજપૂતે છેતરપિંડીની ફરીયાદ કરી હતી. કેવલ મહેતાની ન્યૂ રાણીપમાં ચાલતી આશ્રય-9 અને આશ્રય-10 સાઇટ તેમજ બોપલની ગાર્ડન પેરેડાઈઝ સાઇટ પર હઠીસિંહ ચૌધરીએ આપેલા ફેબ્રિકેશનના માલના 4.33 લાખ લેવાના નીકળતા હતા, જે તેણે ચૂકવ્યા ન હતા. તેમજ કપચીનો માલ પૂરો પાડનાર મિતેશ પ્રજાપતિના પણ 4.55 લાખ ચૂકવ્યા ન હતા. આ બાબતે બંને વેપારી સાઈટની ઓફિસે ગયા, ત્યારે હેમલતા ઉર્ફે ટીના મેડમ, સ્વીટુ શેઠ અને તેમના બાઉન્સરોએ તેઓને ધમકાવ્યા હતા. જેને લઇને બંને વેપારીઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર કેવલ મહેતા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. એવી જ રીતે વર્ષ 2017માં રશિકાત રાજપૂતે મણિપુર પાસે આવેલ આશ્રય ગ્રીન નામની સ્કીમમાં પહેલા માળે 102 નંબર ફ્લેટ 10 લાખમાં બિલ્ડર કેવલ મહેતા સાથે નક્કી કર્યો હતો અને 8.35 લાખ રૂપિયા ચૂકવી દીધા બાદ ફ્લેટનો દસ્તાવેજ ન કરી આપ્યા. ત્યાર બાદ ફ્લેટ અન્ય કોઈને વેચીને છેતરપીંડી આચરી હતી. 


અત્યાર સુધીમાં કેવલ મહેતા સામે છેતરપિંડી, ઘાકઘમકી, એટ્રોસિટી તેમજ બાંઘકામ માટેના જરૂરી નિયમોનુ પાલન ન કરવું તથા સાઇટ પર ગંભીર બેદરકારી જેવી ફરિયાદો નોંધાઇ છે. થોડાક દિવસો પહેલાં પણ સાબરમતી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર કેવલ મહેતા તેમની પત્ની જિગિશા મહેતા તેમજ હેમલતાબહેન વાલેચા અને વિજયભાઇ મહેતા વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ થઇ હતી. બિલ્ડર કેવલ મહેતાએ અનેક લોકો સાથે ઠગાઇ આચરી છે. સાબરમતીમાં ઉભી કરેલી આશ્રય સ્કીમમાં પણ એક ફ્લેટ બે-બે લોકોને એલોટ કરી દીધા હતા અને કોન્ટ્રાર્ટરો સાથે પણ છેતરપિંડી કરી હતી. ઠગ બિલ્ડર કેવલે ન્યૂ રાણીપ ખાતે આવેલી તેની સ્ક્રીમ આશ્રય-9 અને આશ્રય-10 નામની ફ્લેટ સ્કીમમાં 70 થી વધુ લોકો સાથે છેતરપીંડી આચરીને ફ્લેટના રૂપિયા મેળવી લઈ ફ્લેટ આપ્યા ન હતા. આવી જ રીતે આશ્રયની સ્કીમમાં કામ કરતા લેબર કોન્ટ્રાક્ટરોને તેઓ બિલના નાણાં ન ચૂકવીને કરોડો રૂપિયાની છેતરપિડી કરી છે. તેમજ આ સ્કીમોના જુદા જુદા મટીરિયલ્સના સપ્લાયર્સોને તેમના મટિરીયલ્સના નાણાં ન ચૂકવીને કરોડો રૂપિયાની છેતરપિડી કરી છે.


અગાઉ સાબરમતીમાં અને હવે બોપલ પોલીસના હાથે બિલ્ડર કેવલ મહેતા ઝડપાઇ જતા બિલ્ડરોની વહેલી સવારથી બોપલ પોલીસ સ્ટેશનમાં લાઇનો લાગી હતી. જોકે પોલીસે બિલ્ડર કેવલની એક પણ બિલ્ડરો સાથે મુલાકાત કરવા દીધી ન હતી. પોલીસનું એવું માનવું છે કે, વધુ વેપારીઓ કે ભોગ બનનાર સામે આવીને ફરિયાદ નોંધાવશે તો કેવલ મહેતાના કૌભાંડોનો આંકડો ઉંચો જઈ શકે છે.