અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી શહેરોમાં ઇંગ્લિશ મીડિયમની શાળાઓનું ચલણ વધી રહ્યું છે. મોટાભાગના વાલીઓ પોતાના સંતાનને ગુજરાતીના બદલે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરે છે. જેના કારણે હાલ ગુજરાતી માધ્યમની શાળાઓ ધીરે ધીરે ઘટી રહી છે. એચ.બી કાપડીયા હાઇસ્કુલ દ્વારા હાલમાં જ શિક્ષણ વિભાગમાં શાળા બંધ કરવા માટેની અરજી કરવામાં આવી છે. 2 મહિના અગાઉ થયેલી અરજી પર હાલ પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 1 મહિનામાં શાળા બંધ કરવા માટે બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ અંગે અધિકારીક રીતે શાળા સંચાલકો ગોળ ગોળ વાતો કરી રહ્યા છે. પરંતુ શાળા બંધ કરવા માટેની અરજી કરી છે તેવું સ્વિકારી નથી રહ્યા. શાહીબાગમાં આવેલી શાળા 1956 થી ચાલી રહી છે. અમદાવાદની ટોપની શાળાઓમાં તેની ગણત્રી થતી હતી. સારા પરિણામોના કારણે વાલીઓનો પણ આગ્રહ રહે છે કે તેમનું બાળક એચ.બી કાપડીયા સ્કુલમાં દાખલ થાય. જો કે શાળા પણ ગુણવત્તાના આધારે જ એડમીશન આપે છે. 


શાળા એટલી પ્રતિષ્ઠિત છે કે, એક જ ધોરણના 8-8 વર્ગો ચલાવવા પડે તેવી સ્થિતિ છે. શાળામાં હાલ 2200 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળા અચાનક બંધ કરવાનો સમય શા માટે આવ્યો તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ શિક્ષણ વિભાગમાં નકારાત્મક અભિપ્રાય સાથેની અરજી દાખલ થઇ છે. એક મહિનામાં શિક્ષણ બોર્ડની કારોબારી સમિતીમાં આ અંગે નિર્ણય લેવાશે.