અમદાવાદઃ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલો એલિસ બ્રિજ શહેરની શાન છે. વર્ષોથી નદીના બે છેડાને જોડતો આ બ્રિજ અમદાવાદની આગવી ઓળખ છે. ત્યારે આ ઓળખ જળવાય રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે. સાબરમતી નદી ઉપર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન ૧૮૯૨માં બનાવવામાં આવેલો છે. ૪૩૩.૪૧ મીટર લંબાઇ અને ૬.૨૫ મીટરની પહોળાઈનો આ એલિસ બ્રિજ, ૩૦.૯૬ મીટરના ૧૪ સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં નિર્માણ થયેલો છે.


આ ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટના કારણે જર્જરીત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રીપેરીંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરીને આ માટે માતબર રકમ ફાળવી છે.


આ પણ વાંચોઃ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 45 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો, જુઓ વૈકલ્પિક માર્ગ


એટલું જ નહીં, પુનઃસ્થાપન બાદ આ બ્રિજનો ઉપયોગ રાહદારીઓ માટે પણ થઈ શકે તેમજ લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રીપેરીંગ મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન વગેરે કરવામાં આવશે. એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન થવાથી સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા આ બ્રિજનો પુનઃઉપયોગ રાહદારીઓ કરી શકશે.


અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમગ્ર બાબતોને આવરી લઈને એલિસ બ્રિજ મજબૂતીકરણ તેમજ પુનઃસ્થાપન માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્ત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ થતાં તેમણે આ માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.


ઐતિહાસિક એલિસ બ્રિજની જે સ્ટ્રેન્‍ધનિંગ અને રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાવાની છે, તેમાં મુખ્ય ટ્રસના જોઇન્ટ્સ રીપેરીંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રીન્‍જર્સ તેમજ બોટમ જોઈન્ટ્સ બદલવામાં આવશે. નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસિંગ તથા બ્રેસિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત પિયરને કોરોઝનથી બચાવવા એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ, જર્જરીત થઈ ગયેલા બોટમ ડેક સ્લેબને દૂર કરી નવો કરવાની કામગીરી પણ હાથ ધરાશે.