મોટી ઘાત ટળી, અમદાવાદના દર્દીઓએ કોરોનાના નવા સ્ટ્રેનને હરાવ્યો
- એક અઠવાડિયામાં જ આ દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સમાચાર સાથે જ મોટી ઘાત ટળી
- ચારેય દર્દીઓને એક સપ્તાહ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થતા જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો, તો સરકારની ચિંતા વધી હતી. પરંતુ કોરોનાના નવા સ્ટ્રેન (uk corona strain) મામલે ગભરાવાની જરૂર નથી. આ મામલે અમદાવાદથી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની એસવીપીમાં દાખલ કોરોનાના નવા સ્ટ્રેન (uk covid) ના ચારેય દર્દીઓને કોરોનામુક્ત થયા છે. જેથી તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. બ્રિટનથી અમદાવાદ આવેલા ચારેય દર્દીઓએ નવા સ્ટ્રેનને માત આપી છે.
આ પણ વાંચો : અમેરિકામાં ગુજરાતીની હત્યા, બોલાચાલી બાદ અશ્વેત યુવકે મહેશ વશીનું ગળુ દબાવી દીધું
યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોમાંથી ચારને નવા સ્ટ્રેનની અસર જોવા મળી છે. યૂકે અને યૂરોપથી ગુજરાત આવેલા મુસાફરોમાંથી 11નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમના રિપોર્ટને આગળ ચકાસણી માટે પૂણે અને ગાંધીનગરની લેબમાં મોકલાયા હતા, જેમાંથી ચાર લોકોને નવા સ્ટ્રેનના કારણે કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છે. જોકે, એક અઠવાડિયામાં જ આ દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સમાચાર સાથે જ મોટી ઘાત ટળી છે. કારણ કે, કોરોનાનો બ્રિટનમાં જોવા મળેલો નવો સ્ટ્રેન ખતરનાક હતો. જો તે વકરે તો સ્થિતિ બગડી શકે તેમ હતી. પરંતુ તકેદારી લઈને તાત્કાલિક દર્દીઓને સારવાર અપાઈ હતી. હાલ ચારેય દર્દીઓને rtpcr ટેસ્ટ કર્યા બાદ રજા અપાઇ છે. ચારેય દર્દીઓને એક સપ્તાહ સુધી હોમ આઇસોલેશનમાં રહેવુ પડશે. તો વધુ 6 દર્દીઓના નવા સ્ટ્રેઇન મામલે રિપોર્ટ આવવાના બાકી છે.
એક સપ્તાહ પહેલા દર્દીઓમાં જોવા મળેલ નવા સ્ટ્રેન અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, યુકેમાંથી અમદાવાદ ફ્લાઈટમાં આવેલા તમામનું સ્ક્રીનિંગ કરાયું હતું. NIV પૂણેમાં આ સેમ્પલ મોકલ્યા હતા. 4 મુસાફરો, જે યુકેથી આવ્યા હતા તેમનામાં UK સ્ટ્રેન મળ્યા હતા. આ મુસાફરોની સાથે જે લોકો આવ્યા હતા, આ મુસાફરોની 3 રો આગળ અને પાછળના તમામ લોકો આઇસોલેશનમાં છે, આપણી ટીમ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખથી ખૂલશે સ્કૂલો, લોકડાઉન બાદની સૌથી મોટી જાહેરાત
22 ડિસેમ્બરે બ્રિટનથી આવ્યા હતા મુસાફરો
બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. આ મુસાફરોમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. દેશભરમાં નવા સ્ટ્રેનના કેસ મળી આવતા ભારત સરકારે બ્રિટનની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 8 જાન્યુઆરી સુધી લંબાવી દીધો હતો.