રાજકોટ આગકાંડના પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઈલેક્ટ્રીક ગેઝેટમાં આગ લાગી હોવાની શક્યતા
- આઇસીયુમાં 8 બેડ હતા. એલ.એન.ટી. વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે છે.
- પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે.
ઉદય રંજન/અમદાવાદ :રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ કેર હોસ્પિટલમાં 5 દર્દીઓ મોતને ભેટ્યા હતા. ત્યારે આજે આગ કઈ રીતે લાગી હોઈ શકે તેની માહિતી મીડિયાને આપવામા આવી હતી. ઘટનાના તપાસ અધિકારી એકે રાકેશ અને ઉદય કોવિડ હોસ્પિટલના ડો. કરમટાએ કોવિડની સારવાર માટે વપરાતા કોઈ સાધનમાં આગ લાગી હોવાનું જણાવ્યું છે.
ઈલેક્ટ્રીક ગેઝેટમાં આગ લાગવાની શક્યતા
ઉદય કોવિડ હોસ્પિટલના સંચાલક ડોક્ટર કરમટાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સંબોધનમાં તેઓએ કહ્યું કે, કોઈ ઇલેક્ટ્રિક ગેજેટમાંથી હોસ્પિટલમાં આગ લાગી હોય શકે છે. હોસ્પિટલમાં અલગ અલગ ત્રણ કંપનીના વેન્ટિલેટરનો આઇસીયુમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે અમારો એવો અંદાજ છે કે કોઈ ઇલેક્ટ્રિક ગેઝેટમાંથી આગ લાગી હોઈ શકે છે. આઇસીયુમાં 8 બેડ હતા. એલ.એન.ટી. વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે છે. ધમણ અને એલ.એન.ટી વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હોવાનું અનુમાન છે.
માણસોને વધુ ટ્રેનિંગની જરૂર - એકે રાકેશ
મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી હતી. ત્યારે એકે રાકેશે હોસ્પિટલમાં જઈને સમગ્ર ઘટના વિશેનો તાગ મેળવ્યો હતો. એકે રાકેશે મીડિયાને જણાવ્યું કે, એફએસએલના રિપોર્ટ પર જ ચોક્કસ કારણ સામે આવશે. સીઝન સપ્લાય વધારે હોવાથી અને માણસોની ટ્રેનિંગ વધુ સારી કરવાથી આવા બનાવ ભવિષ્યમા ન બને. ઓક્સિજન સપ્લાય વધુ હોવાથી હોસ્પિટલમાં આગ લાગે છે. તેથી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવે તે જરૂરી છે. કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે. સ્પાર્ક ક્યાંથી થયો એ એફએસએલના રિપોર્ટમા જ માલૂમ પડશે. કઈ બનાવટના સાધનમાં આગ લાગી એ તપાસ ચાલુ છે. તેમજ ઓક્સિજન લિકેજ છે કે કેમ એ પણ તપાસ કરાવીશું. બ્લાસ્ટ ક્યાંય થયો હોય એવું લાગી નથી રહ્યું. પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે.
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે મળેલી પોલીસ અને કલેક્ટરના ઉચ્ચ અધિકારીઓની બેઠક પૂર્ણ થઈ હતી. સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી. જેમાં ઉદય કોવિડ હોસ્પિટલના ડોકટર તેજસ કરામટાએ પણ હાજરી આપી હતી. તો SITના અધિકારી મનોહરસિંહ જાડેજા, એ.કે રાકેશ, સચિવ રાહુલ ગુપ્તા અને કલેક્ટર, મનપા કમિશનર, DDO અને પોલીસ કમિશનરની હાજરી હતી.