અમદાવાદઃ કટોકટીની 43મી વર્ષગાંઠને ભારતીય જનતા પાર્ટી દેશભરમાં કાળા દિવસના રૂપમાં મનાવી રહી છે. આ દિવસે ભાજપના તમામ નેતા અને કેન્દ્રીય પ્રધાનો દેશના અલગ અલગ ભાગમાં જનસભાઓ કરીને કટોકટી દરમિયાન યાતનાઓ વિશે જણાવી રહ્યાં છે. આજ ક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં જનસંઘ અને સંઘના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, કટોકટી દેશના લોકતંત્રના ઈતિહાસમાં એક કાળો અધ્યાય છે. ભાજપે આ દિવસ મનાવવાનો નિર્ણય તે માટે કર્યો કે, જેથી આ દિવસને દેશની જનતા ન ભૂલી શકે, વારંવાર તેનું સ્મરણ કરીને એવી સ્થિતિનું નિર્માણ કરે કે, કોઇપણ કટોકટી લાદવાની  હિંમત આ દેશમાં ન કરી શકે. 


અમિત શાહે કહ્યું કે, દોઢ લાખથી વધુ લોકોએ પોતાના જીવનના 21 મહિના જેલમાં પસાર કર્યા અને આ દોઢ લાખમાંથી 95 હજાર લોકો જનસંઘ અને સ્વયં સેવક સંઘના હતા. સંઘના લોકોએ કટોકટી દરમિયાન સૌથી વધુ અત્યાચાર સહન કર્યા હતા. ભાજપના અધ્યક્ષે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદીની વાત  કરનારાઓએ પોતાના પૂર્વજોની કરતૂતોને યાદ કરી લેવી જોઈએ. કટોકટીમાં લોકતંત્રની વાત કરનારને જેલમાં ધકેલી દેવામાં આવતા હતા. અખબારો પર પ્રતિબંધ હતો. આકાશવાણીને કોંગ્રેસવાણી બનાવીને રાખી દેવામાં આવ્યું હતું. દૂરદર્શન પર માત્ર સરકારના ગુણગાન ગાવામાં આવતા હતા. તે સમયે કિશોર કુમારના ગીત સાંભળવા પર પ્રતિબંધ હતો. 


તેમણે કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. અમારા દેશમાં લોકતંભના મૂળીયા એટલા ઉંડા છે કે, એક તો શું જો 100 ઈન્દિરા ગાંધી આવી જાય તો લોકતંત્રને ખતમ કરવાનું સંભવ ન હતું. 



તેમણે કહ્યું કે, કટોકટીના સમયમાં કાનભંભેરણી કરનારનો બોલબાલા હતો. તેઓ ઈન્ડિયા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા લખતા હતા. શાહે કહ્યું કે, આજે જે લોકો અભિવ્યક્તિની આઝાદીની વાત કરે છે, તેને પોતાના પૂર્વજો દ્વારા કરેલા કાર્યોનું ધ્યાન નથી. રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીનો ઈતિહાસ યાદ કરવો જોઈએ કે, ક્યા પ્રકારે તેની પાર્ટીની સરકારે બંધારણ પર કટોકટીનું બુલડોઝર ફેરવીને દેશની બંધારણિય સંસ્થાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું હતું. 


તેમણે કહ્યું કે, કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી  હોવા છતા સમાપ્ત થઈ ગઈ. પાર્ટીમાં આંતરિક લોકતંત્રને ખતમ કરીને વંશવાદની સ્થાપના કરવામાં આવી. તેમણે કહ્યું, હું તે પાર્ટીનો અધ્યક્ષ છું જેની દર ત્રણ વર્ષે ચૂંટણી થાય છે અને મારી જેમ પોસ્ટર લગાવનાર કાર્યકર્તા અધ્યક્ષ બની જાઈ છે.