અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોમવારે વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલાના આરોપી મોહમ્મદ ફારૂક કુરેશીની ધરપકડ કરી છે. મોહમ્મદ ફારૂકની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી જ ધરપકડ કરી લીધી હતી, તેના પર મંદિરમાં વિસ્ફોટનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, 2002માં અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલામાં 32 લોકોનાં મોત થયા હતા અને 80થી વધુ ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી ANI દ્વારા ટ્વીટ કરવામાં આવી આવી હતી કે, '2002 અક્ષરધામ મંદિર પર હુમલાના આરોપી મોહમ્મદ ફારૂક શેખની અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.' આ અગાઉ ક્રાઈમ બ્રાન્ચે એક અન્ય આરોપી અજમેરી અબ્દુલ રશિદની નવેમ્બર, 2017ના રોજ ધરપકડ કરી હતી. 



ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી માટે બનાવાયેલી એક વિશેષ અદાલત દ્વારા 'પ્રીવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ' (POTA) અંતર્ગત આદમ અજમેરી, ચાંદમિયાં ઉર્ફે ચાંદખાન અને મુફ્તી અબ્દલુ કય્યુમ મનસુરીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. દરિયાપુરના રહેવાશી મોહમ્મદ સલીમ શેખને આજીવન કેદની સજા ફટકારાઈ હતી, જ્યારે અબ્દુલમિયાં કાદરીને 20 વર્ષ અને અલ્તાફ હુસેનને 5 વર્ષની સજા સંભળાવાઈ હતી. 


ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં વર્ષ 2002માં એક આતંકવાદી હુમલો થયોહતો. 24 સપ્ટેમ્બર, 2002ના રોજ મશીનગર અને ગ્રેનેડ સાથે કેટલાક આતંકવાદીઓ અક્ષરધામમાં ઘુસી ગયા હતા અને તેમણે મંદિરમાં આવેલા શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.


આ હુમલામાં 32 લોકોનાં મોત થયા હતા અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલામાં માર્યા ગયેલા કુલ લોકોમાંથી 28 મંદિર જોવા આવેલા શ્રદ્ધાળુ હતા, ત્રણ કમાન્ડો હતા, જેમાં એક NSG કમાન્ડોનો સમાવેશ થાય છે અને એક એસઆરપીનો કોન્સ્ટેબલ હતો.