અલ્કેશ રાવ/બનાસકાંઠા: સામાન્ય રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કુતરાઓ પણ કરોડપતિ હોય. જી હા... આ વાત એકદમ સાચી છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુશકલ ગામના તમામ કુતરાઓ કરોડપતિ છે અને તેમના નામે કરોડોની જમીન છે. આ જમીનના ભાવ દિવસેને દિવસે વધતા આ ગામના કરોડપતિ કુતરાઓ દિવસેને દિવસે વધુ માલદાર થતા જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કૂતરાઓનું ‘કરોડપતિ' પાછળનું કારણ
બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું 7000 જેટલી વસ્તી ધરાવતું કુશકલ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે. અહીં મોટાભાગના સમાજ સમાજના પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે. આ ગામમાં આશરે 600 જેટલા મકાનો આવેલા છે. આ ગામના લોકો પાસે જમીન જાગીરી હોવાથી ગામના અનેક લોકો કરોડપતિ હશે. પરંતુ નવાઈની વાત એ છે કે આ ગામમાં કુતરાઓ પણ કરોડપતિ છે. કારણ કે આ ગામમાં કુતરાઓના નામે 20 વીઘા જેટલી જમીન આવેલી છે અને જેનો ભાવ આજની કિંમત પ્રમાણે 5 કરોડથી પણ વધારે થાય છે. જે જમીન ઉપર ફક્ત કુશકલ ગામના કુતરાઓનો માલિકી અધિકાર છે.



નવાબોના રાજમાં 20 વિધા જમીન આપી હતી
કહેવાય છે કે વર્ષો પહેલાં જયારે નવાબો રાજ કરતા હતા, ત્યારે નવાબોએ પાઘડી તરીકે 20 વિઘા જમીન ગામના લોકોનો ખેતી કરવા માટે આપી હતી. પરંતુ આ ગામ પહેલેથી દયા-ભાવના અને ધર્મમાં માનનારું હોવાથી ગામના વડવાઓને વિચાર આવ્યો કે આપણે તો ગમે ત્યાં મહેનત કરીને પેટ ભરી લઈએ છીએ, પણ ગામના રખડતાં કુતરાઓનું શુ તેમના માટે આપણે કંઈક વિચારવું પડશે. જેને લઈને ગામના લોકોએ નવાબે આપેલી 20 વિધા જમીન ગામના કુતરાઓના હસ્તક કરી દીધી. જે જમીન હાલ કુશકલ ગામે રોડ ટચ આવેલી છે, જે હાલ કૂતરિયા નામે ઓળખાય છે. આ જમીન ગામના લોકો દરવર્ષે ગામમાં જ હરાજી કરીને ગામના ખેડૂતોને હરાજી કરીને વાર્ષિક ઉઘડ વાવેતર કરવા માટે આપી દેશે. તેમાંથી જે વર્ષ દરમિયાન વળતર મળે છે તે તમામ રૂપિયા ગામના કુતરાઓ પાછળ ખર્ચે છે. જેમાં ગામના લોકો વાર-તહેવારે કુતરાઓને શિરો, લાડુ,સુખડી,ખવડાવે છે તો રોજેરોજ કૂતરાઓને ખાવાનું બનાવીને આપે છે.


20 વિધા જમીન લાખોની કિંમત કરોડો થઈ
અમારા ગામમાં 20 વિધા જમીન કુતરાઓ માટેની છે. કુતરાઓ જ તેના માલિક છે. આ જમીનમાંથી જે રકમ મળે છે તે કુતરાઓ પાછળ જ ખર્ચાય છે. અમારા ગામના કુતરાઓ પણ કરોડપતિ છે. તેમના નામે કરોડોની જમીન છે અમે તેમને શિરો,લાડુ જેવી વાનગીઓ ખવડાવીએ છીએ. અમારા ગામમાં કુતરાઓ પ્રતેય લોકોને ખુબજ દયાભાવ છે તેમને ખાવા માટે ભટકવું નથી પડતું. લોકો નિયમિત પણે રોજ રોટલા બનાવી આપે છે અને તહેવારોમાં શિરો, સુખડી, લાડુ બનાવી આપીએ છીએ.


કુતરાઓ ઘરે -ઘરે ભટકીને ખાતા નથી, રાજાશાહીથી જીવે છે
સામાન્ય રીતે મોટાભાગના ગામોમાં ગામના કુતરાઓ ઘરે -ઘરે ભટકીને ખાતા હોય છે. પરંતુ કુશકલ ગામે પહેલેથી જ કુતરાઓ પ્રતેય દયા ભાવના જોવા મળી રહી છે. જેથી કુતરાઓને તેમની જમીનમાંથી મળતી ઉપજમાંથી ખાવાનું મળે તેવું નથી. પણ ગામના તમામ લોકો એકએક દિવસ પોતાના ઘરેથી 5 થી 10 કિલો લોટના બાજરાના અને ઘઉંના રોટલા બનાવીને નિયમિત કુતરાઓને ખવડાવે છે. આવી રીતે આખું વર્ષ કુતરાઓને લોકો પોતાના ઘરના રોટલા બનાવીને આપે છે. આ ગામના કુતરાઓ કરોડપતિમાં ગણના થતી હોવાથી તેમને ખોરાક માટે ઘરે-ઘરે ભટકવું પડતું નથી. ગામ લોકોએ ગામની વચ્ચે કુતરાઓ માટે એક જાળીવાળો ઓટલો બનાવી સુંદર વ્યવસ્થા કરી આપી છે. જ્યાં ગામ લોકો કુતરાઓને ખોરાક આપે છે. કુતરાઓ પણ તેમની ઈચ્છા થાય ત્યારે તેમાંથી ખાવાનું ખાઈ લે છે.


સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિના હેસિયતની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ગર્વથી કહેતા હોય છે કે અમે કે અમારા સગા કરોડપતિ છીએ. જોકે પાલનપુરના કુશકલ ગામના લોકો કરોડપતિ હોવું કોઈ મોટી વાત માનતા નથી એટલે જ તેવો ગર્વ ભેર વટથી કહે છે કે અમારા ગામના કુતરાય કરોડપતિ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube