ગુરૂવારથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર
સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ભાવાંતર યોજનાની માંગ કરી રહ્યાં છે.
રાજકોટઃ 1 નવેમ્બરથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાના છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલું 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થયું છે જેથી ગુરૂવારે સવારથી તમામ યાર્ડ બંધ રાખવાનો સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે. વેપારીઓની હડતાળથી કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાશે. ભાવાંતર યોજના લાગુ નહિ કરાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલું રહેશે.
ભાવાંતર યોજના લાગું કરવાનો કૃષિપ્રધાને કર્યો હતો ઈન્કાર
કૃષિમંત્રીએ કહ્યું કે ચાલુ વર્ષે ભાવાંતર યોજનાની માગણી સ્વીકારવી શક્ય નથી છે. ભાવાંતર યોજના લાગું કરવા માટે વિધિવત માળખુ ઊભું કરવું પડશે અને ત્યાર બાદ આ યોજના લાગુ કરી શકાય. મધ્યપ્રદેશમાં ભાવાંતર યોજના અમલી છે તે અંગે વાત કરતા તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં અલગથી વ્યવસ્થા કરાયેલી છે. પરંતુ ગુજરાતમાં આવી વ્યવસ્થા અત્યારે નથી. તેથી આગામી દિવસોમાં આ યોજનાની વિચારણા કરાશે. પરંતુ હાલમાં તો ટેકાના ભાવની પદ્ધતિ રાજ્યમાં સારી રીતે ચલાવી રહ્યા છીએ.
આ વર્ષે ભાવાંતર યોજના લાગુ કરવી શક્ય નથીઃ કૃષિપ્રધાન આરસી ફળદુ