સુરત : મહાનગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ ચાલુ થઇ રહી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા કરાયો હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. જો કે તેની પાછળ જ્યારે તપાસાશે ત્યારે ચોંકાવનારી હકીકતો બહાર આવશે તેવો પણ દાવો કર્યો હતો. કોર્પોરેશનમાં વિરોધ પક્ષના દરજ્જા માટે ઓછામાં ઓછા 24 સભ્યોની જરૂરિયાત હોય છે. આમ આદમી પાર્ટી પાસે 27 કોર્પોરેટર છે. તેમાંથી ચારથી પાંચ કોર્પોરેટર જો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જતા રહે તો વિરોધ પક્ષનું પદ આમ આદમી પાર્ટી ખોઇ બેસે તેવી સ્થિતિ પેદા થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપના વિપુલ મોવલીયા, જ્યોતિકા લાઠીયા, ભાવના સોલંકી, ઋતા દુધાગરા પક્ષ પલટો કરે તેવી શક્યતા છે. તેઓ સતત આમ આદમી પાર્ટી નિષ્ક્રિય હોવાનું પણ આક્ષેપો કરતા રહે છે. વિરોધ પક્ષના નેતા પણ સંપર્કમાં રહેતા નહી હોવાનું જણાવ્યું હતું. રાજકીય રીતે આ 4 કોર્પોરેટર આપ સાથે છેડો ફાડે તેવી શક્યતા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરાછાના એક ઉદ્યોગપતિ મોવલિયા ભાજપના સમર્થક હોવાનું મનાય છે. તેમના દ્વારા આખો ખેલ ચલાવાઇ રહ્યાનો આક્ષેપો થઇ રહ્યા છે. 


આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા ભાજપ પર ગંભીર આરોપ લગાવાયા છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા પત્રકાર પરિષદ આયોજીત કરીને પોતાની પાર્ટીના કોર્પોરેટર્સને ખરીદવા માટે લાલચ અપાઇ રહ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આમ આદમી પાર્ટીના એખ પુરૂષ કોર્પોરેટર અને બે મહિલા કોર્પોરેટર પર એક જ નંબર પરથી ફોન કરીને લોભામણી લાલચ આપીને ભાજપમાં જોડાઇ જવા માટે દબાણ કરાયું હોવાનો દાવો કર્યો હતો. 


આમ આદમી પાર્ટીના સક્રિય કોર્પોરેટર મહેશ અણઘણ વોર્ડ નંબર 3 ના રચના હિરપરો વોર્ડ નંબર 17 અને કુંદન કોઠીયા વોડ નંબર 4ના કોર્પોરેટર પર વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કોર્પોરેટર સાથે લાંબી ચર્ચા કરી હતી. જેમાં કહેવાયું કે, આપના મુખ્ય બે નેતા આપમાં જોડાઇ ચુક્યા છે. તમે પણ જોડાઇ જાઓ. આપનું અસ્તિત્વ રહેવાનું નથી. તમારી આર્થિક જરૂરિયાતો પુરી કરવામાં આવશે તેવી સાંત્વના પણ અપાઇ હતી.