ગુજરાતમાં દારૂબંધી માટે ત્રિપુટ મેદાને; હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી કરશે જનતા રેડ
સોલા હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે બુટલેગરો બેફામ અને ફરિયાદ કરનાર સામે ફરિયાદ થાય છે.
અમદાવાદ: સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની હાલત લથડી છે. જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. જ્યાં 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો અન્ય બે વ્યક્તિને ઓબ્ઝરવેશનમાં રખાયા છે. જે લોકોને ઝેરી દારૂની અસર થઈ છે તેમના લોહીના નમૂનામાંથી મીથેનોલ ન મળવાનો ચોંકાવનારો ખુલાસો થતા દારૂ દેશી બનાવટનો હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાસના નેતા હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે સવારે સોલા હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.
સોલા હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે બુટલેગરો બેફામ અને ફરિયાદ કરનાર સામે ફરિયાદ થાય છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 7 જુલાઇને શનિવારના રોજ અમદાવાદમાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને પોલીસ બેડા પર આક્ષેપો કર્યા હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે દારૂના વેચાણનો જવાબ આપવામાં આવશે. જો સરકાર એક દિવસમાં પાણીના પાઉચ બંધ કરી શકતી હોય તો દારૂબંધી કેમ નહી. દારૂના અડ્ડાઓ પર રેડ પાડતા ઇમાનદાર અધિકારીઓ પાસેથી પાવર પાછા લેવામાં આવે છે તથા ઈમાનદાર અધિકારીઓ રેડ કરવા જાય તો બુટલેગર ને સીધી માહિતી મળી જાય છે. તો બીજી તરફ સરકાર વિધાનસભામાં સરકારે કરોડો લીટર દારૂ પકડયાનું ગૌરવ લે છે.
ગુજરાતની બોર્ડરને અડીને આવેલી ચેકપોસ્ટોના CCTV બંધ છે તે ચાલું કરાવાય તો બુટલેગરો પર રોક લાગી શકે છે. આ ઉપરાંત જે વિસ્તારમાંથી દારૂ પકડાય તો તે વિસ્તારના ધારાસભ્યને પણ તેમાં સામેલ કરવા જોઇએ. અમે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે PIL દાખલ કરીશું. જનતા રેડ કરવામાં આવે ત્યારે અમને મારવામાં કે રોકવામાં આવશે તો પોલીસ અને સરકાર જવાબદાર રહેશે.
વિસ્તારના ધારાસભ્ય ને પણ દારૂ પકડાય તો સામેલ કરવો જોઈએ. અલ્પેશ ઠાકોરે ચેલેન્જ આપતાં કહ્યું હતું કે તેમના શબ્દો ખરા અર્થમાં સાબિત કરે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ગાંધીના ગુજરાતમાં પોલીસની રહેમ નજર કે નેતાઓની ભાગીદારીથી દારૂ વેચાય છે. આગામી 10 તારીખે રાજયપાલને મળવા જઈશું.