ગૌરવ પટેલ/હિતલ પારેખ: લોક રક્ષક દળની પરીક્ષાનુ પેપર ફુટવા મુદ્દે અલ્પેશ ઠાકોર આજે ન્યાય યાત્રા કરશે. આ ન્યાયયાત્રા ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કરવામાં આવશે. આજે સવારે 10 વાગે શરૂ થશે યાત્રા. લોકરક્ષકદળની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તેમને ન્યાય મળે તે હેતુથી ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી છે. યશપાલ ચિલોડાથી દિલ્હી ગયો હતો. તેણે દિલ્હીમાં પેપરલીક ગેંગ પાસેથી પેપરો મેળવ્યા હતા. આરોપી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો. સુરતમાં યશપાલની પરીક્ષાનું કેન્દ્ર હતું. કૌભાંડ બહાર આવ્યા બાદ યશપાલ ફરાર હતો. તે ATS, ક્રાઇમબ્રાંચ, ગાંધીનગર પોલીસની રડારમાં હતો. પોલીસે તેને ઉંઘમાંથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ કૌભાંડમાં અન્ય મોટા નામે સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


અત્રે જણાવવાનું કે 2જી ડિસેમ્બરે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવવાની હતી પરંતુ તે પહેલા જ પેપરના જવાબો લીક થઈ જતાં આખરે પરીક્ષા રદ કરવામાં આવી. આ પેપરલીક કાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી અને ભાજપના બે કાર્યકરોની પક્ષમાંથી હકાલપટ્ટી પણ કરવામાં આવી. લોક રક્ષકદળ ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા 5 વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓ મુખ્ય છે. એક મુકેશ ચૌધરી અને બીજો મનહર પટેલ. 


આ બંને માસ્ટરમાઈન્ડનું ભાજપ સાથે સીધુ કનેક્શન નીકળ્યું. આ કેસમાં પીએસઆઈ પી.વી. પટેલની સાથે ભાજપી નેતા મનહર પટેલની મિલીગત સામે આવી છે. બંને ભાજપી નેતાઓનું નામ ખૂલતા જ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કર્યાં છે.