ઠાકોર અધિકાર આંદોલનના સુત્ર સાથે અલ્પેશ ઠાકોર દ્વારા મહાપંચાયતનું આયોજન
ગાંધીનગરઃ હાર્દિક પટેલ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે ઉપવાસ આંદોલન ચલાવ્યા બાદ બાદ હવે અલ્પેશ ઠાકોરે પણ ફરીથી ઠાકોર સમાજ માટે અધિકાર આંદોલનનું રણશીંગુ ફૂંક્યું છે. ગાંધીનગર ખાતે શનિવારે આયોજિત 'ઠાકોર અધિકાર આંદોલન'ના નેજા હેઠળ અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, રાજ્યમાં 23 તારીખથી જિલ્લાવાર આરક્ષણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને 29 તારીખે અંબાજી ખાતેથી ઠાકોર સેના યાત્રાનું મહાપ્રસ્થાન કરાવાશે.
અલ્પેશ ઠાકોરે મહાપંચાયતોને સંબોધન કરતા જણાવ્યું કે, સરકાર ઈમાનદારીથી ઈચ્છે તો કાઈ પણ કરી શકે છે. ગુજરાતમાં ઠાકોર સમાજની મોટી સંખ્યામાં છે. રોજગારી નથી, સમાજ વ્યસન મુક્તિ જેવા મુદ્દાની વાત કરે છે. દારુબંધીનો કાયદો અમારા આંદોલનના કારણે બન્યો છે. હાર્દિકના ઉપવાસની ફળશ્રુતી મળી ન મળી ખબર નથી પણ સમજમાં જાગૃતિ જરૂર આવી છે. આંદોલન ધારદાર હોવું જોઈએ, ઉપવાસ એ આંદોલનનું છેલ્લું શસ્ત્ર છે.
વિવિધ માગણીઓ મુદ્દે હુંકાર કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આજે અમીર પણ એવો ઢોંગ કરે છે કે અમે ગરીબ છીએ. જેના પેટ ખાલી છે, ભુખ્યા છે એમની પાસે માગવામાં આવે છે. અમારા સમાજે પોલીસ સામે ડંડા ઉગામ્યા નથી. અમને પણ તલવાર ભાલા લઈને નિકળતા આવડે છે. હું કોઈ એવી દિશા આપવા નથી માંગતો જેનાથી નુકસાન થાય, પરંતુ કાયદાની મર્યાદામાં રહીને સમાજને ફાયદો થવો જોઈએ એવી અમારી માગ છે.
અલ્પેશે વધુમાં જણાવ્યું કે, અમે સામાજીક ક્રાંતિ અને દુષણ માટે લડીએ છીએ. અમારું પણ સ્વપ્ન છે કે, અમારા સંતાનો કલેકટર, એસપી કે કોઈ મોટા અધિકારી હોય. આવું સ્વપ્ન જોવું કોઈ ખોટી વાત નથી. ઠાકોર સમાજના આંદોલનના ફળસ્વરૂપે જ સરકારને દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવવાની ફરજ પડી હતી. લોકો ભલે ગમે તે કહેતા હોય, પરંતુ વ્યસનમુક્તીના આંદોલનના કારણે આજે 80 ટકા સમાજ વ્યસનમુક્ત બન્યો છે.
ગાંધીનગર ખાતે આયોજિત ખાટલા પરિષદમાં અલ્પેશે સરકાર સામે સમાજની વિવિધ 10 માગણીઓ રજૂ કરી હતી, જેમાંથી મુખ્ય નીચે મુજબ છે.
- ઠાકોર સમાજના બેરોજગારો માટે એક યુનિવર્સિટી બનાવાય
- ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ યુનિવર્સિટી આપવામાં આવે
- સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવે
- ટ્યુશન સહાય અને વિદેશમાં અભ્યાસ માટે સહાય અને લોન આપવામાં આવે
- બીપીએલ વિધ્યાર્થીઓને શૂન્ય ટકા વ્યાજે લોન આપવામાં આવે
- વિધવા બહેનો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે, પેશનના બદલે રોજગારી આપે
- રાજ્યમાં વ્યસન મુક્તિકેન્દ્રો બનાવવામાં આવે