અમદાવાદઃ પરપ્રાંતિયો મુદ્દે કથિત વિવાદિત નિવેદન બાદ ચારેકોરથી ટીકાનો ભોગ બનેલા અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીને પત્ર લખીને 11 ઓક્ટોબરે તેમના દ્વારા આયોજિત સદભાવના ઉપવાસમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. અલ્પેશે પત્રમાં જણાવ્યું છે કે, ઉત્તર ભારતનો તમામ વ્યક્તિ મારો ભાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને એક પત્ર લખ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, માત્ર અફવાઓને કારણે ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ પેદા થયો છે. ઉત્તર ભારતનો તમામ વ્યક્તિ મારો ભાઈ છે. ભવિષ્યમાં પણ બિહાર અને યુપીના લોકો ગુજરાતમાં આવતા રહેશે. 


અલ્પેશ ઠાકોરે વધુમાં સ્પષ્ટતા કરતા પત્રમાં લખ્યું છે કે, આ સમગ્ર ઘટનામાં તેની કોઈ જ ભૂમિકા નથી. રાજ્યમાં ઉત્તર ભારતીયો સુરક્ષિત હોવાનો ઉલ્લેખ કર્યો છે અને સાથે જ ઉત્તર ભારતીયોને ગુજરાતમાં પુરતી સુરક્ષા આપવાની પણ ખાતરી આપી છે. 


પરપ્રાંતીય લોકોને પોલીસ અને ઠાકોર સેનાની સમજાવટ 
મહેસાણામાં વસતા પરપ્રાંતિઓને શાંતિથી વેપાર ધંધો શરૂ કરવા માટે પોલીસ અને ઠાકોર સેનાએ સમજાવટનું કામ શરૂ કર્યું છે. આ સાથે જ તેમણે વતનમાં જતા રહેલા પરપ્રાંતિયોને ગુજરાત પાછા આવી જવા માટે અપીલ કરી છે. પોલીસ અને ઠાકોર સેના દ્વારા પરપ્રાંતિયોને તમામ સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. 


આરએસએસ પણ આવ્યું આગળ
પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાને લઈને હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ આગળ આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં ગુજરાત પ્રાંત દ્વારા હિચકારી ઘટનાઓને વખોડી કાઢવામાં આવી છે. સંઘે સ્વયં સેવકોને આહ્વાન કર્યું છે કે, તેઓ પરપ્રાંતીયોની સહાય કરે અને સાથે જ રાજ્યમાં સોહાર્દપૂર્ણ વાતાવરણ બનાવવા માટે આગળ આવે. સંઘ દ્વારા સરકાર ને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.