વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, એક ઝટકામાં થયું મોત, CCTV વાયરલ
કિશોરભાઈ પટેલ દરરોજ મહાદેવના મંદિરે આરતી માટે જતા હતા. મંગળવારે પણ કિશોરભાઈ મહાદેવની આરતી કર્યા બાદ સવારે 6.48 કલાકે શિવલિંગ પર અભિષેક કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
વલસાડઃ હાર્ટ એટેકથી મોત થવાના સમાચાર દરરોજ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની વધુ એક દુખદ ઘટના સામે આવી છે. હવે મંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિને હાર્ટ એટેક આવતા નિધન થવાની ઘટના સામે આવી છે. વલસાડમાં એક વ્યક્તિ શિવ મંદિરમાં પૂજા કરી રહ્યો છે આ દરમિયાન તેને હાર્ટ એટેક આવે છે અને તે નીચે ઢળી પડે છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા આ વ્યક્તિનું નિધન થઈ ગયું હોય છે. હવે મંદિરમાં બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
દરરોજ જતાં હતા મંદિર
આ ઘટના વલસાડના પારનેરા ડૂંગર સ્થિત મહાદેવના મંદિરની છે. જે વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે તેની ઓળખ 62 વર્ષીય કિશોરભાઈ પટેલના રૂપમાં થઈ છે. કિશોરભાઈ પટેલ વલસાડના પારનેરા હિલ પર સ્થિત મહાદેવના મંદિરમાં દરરોજ પૂજા કરવા જતા હતા. મંગળવારે સવારે પણ કિશોરભાઈ નિત્યક્રમ મુજબ મંદિરે પહોંચ્યા હતા. આરતી કર્યા બાદ સવારે 6.48 કલાકે શિવલિંગ પર અભિષેક કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવે છે અને નિધન થાય છે.
મંદિર પરિસરમાં મચી ગયો હડકંપ
સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે ત્રણ-ચાર લોકો પૂજા કરી રહ્યાં છે. આ વચ્ચે કિશોરભાઈને હાર્ટ એટેક આવે છે અને તેઓ ઢળી પડે છે. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેમને સીપીઆર આપી રહ્યાં છે પરંતુ તેમનું મોત થઈ જાય છે. આ ઘટનાથી મંદિરમાં રહેલા અન્ય લોકો પણ ડરી ગયા અને ત્યાં હડકંપ મચી ગયો હતો. કિશોરભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.
પુત્રના જન્મદિવસની પાર્ટીમાં માતાને આવ્યો હતો હાર્ટ એટેક
મહત્વનું છે કે 1 મહિના પહેલા પણ રાજ્યમાં આવી એક ઘટના બની હતી, ત્યારે પુત્રની બર્થડે પાર્ટી મનાવવા સમયે હાર્ટ એટેકથી માતા બેભાન થઈ ગયા અને હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મોત થઈ ગયું હતું. વાપીમાં એક હોટલમાં બારોટ પરિવારના પાંચ વર્ષના પુત્રના જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં પરિવારના સભ્યો અને સંબંધિઓ ગીત પર ડાન્સ કરી રહ્યાં હતા. આ દરમિયાન યામિનીબેનને હાર્ટ એટેક આવે છે અને તેમનું નિધન થાય છે.