‘ગરબામાં એક વ્યક્તિ સંક્રમિત હશે, તો બધાને કોરોનાગ્રસ્ત કરશે’
પૂર્વ એએમએ પ્રેસિડન્ટ ડોક્ટર મોના દેસાઈએ વાલ્વવાળા માસ્ક, થિયેટર ખૂલવાની પરવાનગી અને ગરબાની પરવાનગીની શક્યતાઓ વિશે ખૂલીને વાત કરી
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં ફિલ્ટર વાળા કે વાલ્વવાળા માસ્ક (mask) ન પહેરવાનો આદેશ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોરોનાના વિષાણુઓ સામે આ માસ્ક રક્ષણ આપતા નથી. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણના પરિપત્રના આધારે આ પત્ર લખાયો છે. ત્યારે પૂર્વ એએમએ પ્રેસિડન્ટ ડોક્ટર મોના દેસાઈએ વાલ્વવાળા માસ્ક, થિયેટર ખૂલવાની પરવાનગી અને ગરબાની પરવાનગીની શક્યતાઓ વિશે ખૂલીને વાત કરી હતી.
માસ્ક વિશે ખુલાસો
વાલ્વ અથવા ફિલ્ટરવાળા માસ્ક હિતાવહ ના હોવા અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કરેલા પરિપત્ર વિશે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડો મોના દેસાઈએ જણાવ્યું કે, તમામ લોકો માસ્ક પહેરે એ જરૂરી છે. ત્યારે વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્ક એ બહારથી લેવામાં આવતો શ્વાસ ફિલ્ટર કરીને લેવામાં મદદરૂપ કરે છે. પરંતુ કેટલાક કિસ્સામાં માસ્ક પહેરવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, જે આ ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કથી નથી થતી હોતી.
થિયેટર અને ગરબાની પરવાનગી વિશે
આ સાથે જ થિયેટરને મળેલી પરવાનગી જેમાં એક સીટ છોડીને એક સીટ પર બેસવાની પરવાનગી અપાઈ છે એ મામલે વાત કરતા ડૉ. મોના દેસાઈએ કહ્યું કે, લોકોએ જાતે જ સમજવું પડશે કે તેઓ શું કરી રહ્યા છે અને શું કરવું જોઈએ. વૈશ્વિક રીતે આર્થિક નુકસાની સૌ કોઈ ઉઠાવી રહ્યું છે, ત્યારે તમામ જરૂરિયાતો પણ પૂર્ણ કરવી જરૂરી છે. આવામાં પોતે જ સ્થિતિ સમજીને નિર્ણય કરવો જરૂરી છે.
ગરબા માટે 200 જેટલા લોકોને પરવાનગી મળે તેવી શક્યતાઓ મામલે વાત કરતા ડો. મોના દેસાઈએ કહ્યું કે, 5 વ્યક્તિ હોય, 20 વ્યક્તિ હોય કે 100 વ્યક્તિ ભેગા થાય, પરંતુ જો કોઈ એક વ્યક્તિ સંક્રમિત હશે તો એ બીજાને સંક્રમિત કરશે. મોટી સંખ્યામાં આપણે ભેગા ના થઈએ એ હાલ સમયની માંગ છે, યુવાનોએ સમજવાની જરૂર છે કે સામાજિક જમાવડા ના થાય એમાં જ આપણું હિત છે.