ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેકવિધ ભેટ સોગાતો આપી છે. હવે તેમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. વડીલો, માઈભક્તોની ચિંતા કરીને પ્રધાનમંત્રી મોદીએ 51 શક્તિપીઠના એક જ સ્થળે દર્શન થઈ શકે તેવું આયોજન કર્યું છે. જે અંતર્ગત ખુબ જ ઝડપભેર અંબાજીમાં આ પ્રોજેક્ટનું કામકાજ ચાલી રહ્યું છે. આગામી વર્ષે 2022 માં ઠંડીની સિઝન શરૂ થાય તે પહેલાં આ પ્રોજેક્ટ પુરો કરાવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે મા અંબાના ભક્તો પણ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ એમ પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકશે. આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટના ચેરમેન વ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, સંભવત: એક વર્ષ બાદ એટલે કે આવતા શિયાળામાં આ પરિક્રમા શરૂ થઇ શકે છે.


એક જ ભવમાં મળશે 100 ભવનું પૂણ્ય:
એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નહોતું, તેથી ભારત તેમજ શ્રીલંકા, બંગ્લાદેશ, નેપાળ વગેરે દેશોમાં આવેલાં માતાજીનાં સ્થાનકો પ્રમાણે આબેહૂબ 51 શક્તિપીઠોનું નિર્માણ કરાવ્યું છે. જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનું આયોજન છે. જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તો એક જ જન્મમાં 51 શક્તિપીઠનાં દર્શનનો લ્હાવો લઈ શકશે.


PM મોદીના ભગીરથ પ્રયાસથી શક્ય બન્યો પ્રોજેક્ટઃ
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેકટર તરફથી જણાવવામાં આવ્યું છેકે, સ્વતંત્રતા બાદ ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ વિવિધ રજવાડાઓમાં વિભાજીત હતો, તેને એક ભારત કરવાનું કામ ગુજરાતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તેવી જ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીનાં 51 શક્તિપીઠોના નિર્માણનું કામ પ્રધાનમંત્રી મોદીએ કરાવ્યું છે. પીએમ મોદીએ પોતે વ્યક્તિગત રીતે રસ લઈને અંબાજી ગબ્બર ખાતેનું સમગ્ર કામકાજ કરાવ્યું છે.


સમય અને દિવસ હવે નક્કી કરવામાં આવશે:
આવતા શિયાળામાં એટલે કે એક વર્ષમાં પરિક્રમા માટેનું આયોજન કરવામાં આવશે. જેનાથી અંબાજી દર્શને આવતાં માઈભક્તો એક જ જન્મમાં 51 શક્તિપીઠોનાં દર્શનનો લ્હાવો લઈ શકશે. કેટલા દિવસ અને કયા સમયે પરિક્રમા કરવી તે હવે નક્કી કરવામાં આવશે એવી માહિતી જિલ્લા કલેક્ટર તરફથી અપાઈ હતી.


ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા 5 દિવસ ચાલે છે:
ગિરનારમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી લીલી પરિક્રમા યોજાય છે. 36 કિલોમીટરની આ પરિક્રમામાં 5 દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મિલનની અનુભૂતિ કરતા હોય છે. જેમાં 8 લાખથી 10 લાખ લોકો જોડાતા હોય છે.