ગૌરવ પટેલ/અમદાવાદઃ અંબાજી મંદિરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સ્વાગત પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું કે, મંદિરનું સંચાલન કરતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં પૂર્વ મુખ્યપ્રધાન સહિત ભાજપ અધ્યક્ષ અમિત શાહના પરિવારજનો માટે ચા-પાણીનો ખર્ચ ટ્રસ્ટના નામે નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતી અધિકાર હેઠળ મળેલી વિગતો પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ડી.જે.રાવલ મહારાજ વિશ્રામ ગૃહ અંબાજી અને તેની પેટા સંસ્થાઓમાં વર્ષ 2015થી વર્ષ 2017 દરમિયાન કુલ 7,39,310 ખર્ચ ભારતીય જનતા પાર્ટીના નેતા તથા સરકારના અધિકારીઓ માટે કરવામાં આવ્યો હતો. જેમાં અંબાજી માતાના ફોટા, પંચધાતુના સિક્કા, કેલેન્ડર અને શ્રીયંત્ર ભેટમાં આપવા પાછળ 4,33,909 અને તેમના સ્વાગત, રહેવા, ભોજન અને નાસ્તા પાછળ 3,5,401 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 


હિમાંશુ પટેલે જણાવ્યું કે, લાખો શ્રદ્ધાળુઓ યથાશક્તિ મુજબ માં અંબાના દર્શન કરી દાન કરતા હોય છે પણ હિન્દુત્વનો નકલી ચહેરો ધરાવતા ભાજપના મંત્રીઓ અને અધિકારીઓ તથા સંબંધિઓ મહેમાન બની લૂટી રહ્યાં છે. તેમણે માંગ કરી કે દ્વારકા અને સોમનાથમાં પણ ભાજપનો હિન્દુત્વના નામે થતો શિષ્ટાચાર બંધ થવો જોઈએ. કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટ આ અંગે સુઓમોટો લઈને કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. 


આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, અંબાજી મંદિરમાં દર્શન માટે જ્યારે કોઇ મહાનુભાવ આવે તો તેમનું સ્વાગત કરવું, રહેવું અને મોમેન્ટોનો ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કોંગ્રેસના પણ કોઇ મોટા નેતા આવ્યા હોય તો આ પરંપરા જાળરી રાખવામાં આવે છે. આ ખર્ચ થયો તે સ્વાભાવિક છે. જેની માહિતી આરટીઆઈમાં આપવામાં આવી છે.