ઝી મીડિયા/બ્યૂરો :5 દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે (ambalal patel) આગાહી કરી છે કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. અંબાલાલ પટેલે 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વરસાદની આગાહી (Weather Forecast) આપી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં નહિવત જેવો વરસાદ 
રાજ્યમાં રાતના આઠ વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના ખંભાળિયામાં સવા બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો છેલ્લા બે કલાકમાં જ અમરેલીના ખંભાળિયામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. આણંદના તારાપુરમાં પણ દિવસ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો આણંદના પેટલાદમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 


નર્મદા ડેમના તમામ દરવાજા બંધ 
નર્મદા, ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે 5 મી સપ્ટેમ્બરના રોજ સવારે 8.00 કલાકે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીનો ફ્લો સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાઇ રહ્યો છે. જેથી શનિવારે સાંજે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી હતી. જોકે, હાલમાં ડેમના ૩૦ દરવાજા બંધ છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૨૦૦ મેગાવોટની કેપેસીટી સાથે ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યા છે. વિજળી ઉત્પન્ન કર્યા પછી ૪૨ હજાર ક્યુસેક જેટલુ પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. આ સાથે કેનાલહેડ પાવર હાઉસનું ૧ યુનિટ ૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યુ છે અને ૪૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે મીડિયાને આપી હતી.