બ્યૂરો રિપોર્ટ, ઝી મીડિયાઃ મેઘરાજા સુરતમાં તો મન મુકીને વરસ્યા છે. તો સાથે જ સુરત સિવાય આસપાસના વિસ્તારોમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ, નવસારી, તાપી સહિતના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર બસ પાણી જ પાણી દેખાયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં પહોંચતા મેઘરાજાએ ભલે લોકોને રાહ જોવડાવી, પરંતુ હવે મેઘરાજા પોતાના આગમન સાથે જ રોદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. કારણ કે રાજ્યભરમાં જે રીતે મેઘરાજા ઘડબડાટી બોલાવી રહ્યા છે. તેની સામે અનેક રોડ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હવે મેઘરાજા તબાહી મચાવી રહ્યા છે...ત્યારે નવસારીના વાસંદામાં ચોરવણી ગામ પાસે 2 વર્ષ પહેલા જ નાળા પરનો રોડ ધોવાઈ ગયો. તો વલસાડમાં વાઘલધરા ગામ અને નવસારીના ઉંડાચ ગામને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળ્યાં છે. સાબરકાંઠાના પોશીનામાં તો પ્રસુતા મહિલાને પાણી વચ્ચેથી લઈ જવાની ફરજ પડી. આ તરફ ખેડામાં રાણિયાથી શિંહોરાને જોડતો બ્રિજ વરસાદના લીધે ધોવાઈ ગયો. 


ખાસ કરીને મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં નવસારીમાં ગણતરીની કલાકમાં જ 5થી 6 ઈંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયા. નવસારી ઉપરાંત જલાલપોર, ચીખલી અને વાંસદામાં પણ ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વાંસદાના ચોરવણી ગામ પાસે તો નાળાનું ધોવાણ જ થઈ ગયુ. બે વર્ષ પહેલાં જ બનેલો રોડનો સાઈડનો ભાગ ધોવાઈ જતાં વાહન વ્યવહાર પર ભારે અસર પહોંચી. 


વલસાડમાં પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખરેરા નદીમાં પાણીની ભારે આવક થઈ, જેના કારણે વાઘલધરા ગામ અને નવસારીના ઉંડાચ ગામને જોડતો કોઝ-વે જ પાણીમાં ગરકાવ થઈ ગયો. છેલ્લા 20 વર્ષથી ગ્રામજનો કોઝ-વે ઊંચો કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે કોઝ-વે પર પાણી ફરી વળતાં હવે 15 ગામના લોકોને 10થી 15 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી છે. 


આ પણ વાંચોઃ 22,516 કરોડનું રોકાણ, 20 હજાર લોકોને રોજગારી, ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ


આ તરફ વલસાડના ગુંદલાવમાં ભારે પવન સાથે વરસાદ વૃક્ષ અને વિજપોલ ધરાશાયી થયા. ગુંદલાવ GIDCમાં વૃક્ષ ધરાશાયી થતાં વીજ ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન પહોંચ્યુ. 


ખેડામાં સતત વરસાદના કારણે ઠાસરામાં એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધોવાઈ ગયો. રાણિયાથી શિંહોરાને જોડતો બ્રિજ નીચેની માટી ધસી પડતા પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી. ખેડા અને વડોદરાના સાવલીને જોડતો બ્રિજ ધોવાતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 
  
છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદથી નિઝામી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. પહેલાં જ વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ જતાં લોકોએ પણ નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ પ્રગટ કર્યો, કારણ કે હજુ પહેલો જ વરસાદ છે અને લોકોને હાલાકી ભોગવવી પડી છે. 
    
સાબરકાંઠામાં પણ મેઘરાજા ભારે વરસ્યા છે. જેથી સેઈ નદીમાં પાણીની સારી આવક થઈ. સેઈ નદીના પાણી વધી જતાં 108 એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી શકી, જેના કારણે પ્રસુતા મહિલાને ગૌરીફળોથી કાલી કંકર સુધી 2 કિલોમીટર પાણીમાંથી જ ચાલીને જવુ પડ્યુ હતુ. ગામની વસતી અઢી હજારની છે તેમ છતાં આજે પણ આ અંતરિયાળ ગામમાં સુવિધાના નામે મીડું જ છે. 


જંગલોથી ઘેરાયેલા નર્મદા જિલ્લામાં વરસાદથી શરૂઆત થતાં નર્મદા જિલ્લો સોળે કળાએથી ખીલી ઉઠ્યો છે. નર્મદાના રાજપીપળા સહિત સમગ્ર જિલ્લાભરમાં વરસાદ થયો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ વરસાદ થતાં વાતાવરણ ખુશનુમા થઈ ગયુ છે. તો સાગબારા, ડેડિયાપાડાના ડુંગરાળ વિસ્તારમાં પણ સારો વરસાદ થતાં આખાય વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube