મુસ્તાક દલ/જામનગર: જિલ્લાના ધ્રોલના ગરેડિયા રોડ પર આવેલા આંબેડકરનગરમાં આડાસંબંધની શંકામાં એક પરિવાર વેરવિખેર થયો છે. પતિએ જ પત્નીને ગળેટૂંપો આપી હત્યા નિપજાવ્યાનો મામલો સામે આવ્યો છે. પુરાવાનો નાશ કરવા માટે આરોપી પતિએ પોતાના ઘર પાસે જ ખાડો ખોદી પત્નીના મૃતદેહને દફનાવી દીધી હતી. પરંતુ, મૃતકના પિયરીયાઓને શંકા જતા સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો... પોલીસ તપાસમાં હત્યાનો ખુલાસો થતા પોલીસે આરોપી પતિને સકંજામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગરેડીયા રોડ પર આવેલા આંબેડકરનગરમાં પતિ મનસુખ ચૌહાણ અને સંતાનોની સાથે રહેતા સોનલબેન બે દિવસથી લાપત્તા હતા. રાજકોટમાં રહેતા સોનલબેનના માતા જશુબેન ધ્રોલ આવ્યા ત્યારે તેમની પુત્રી ઘરે હાજર ન હતી... જેથી તેના પતિ મનસુખને પૂછ્યું તો તેના તરફથી યોગ્ય જવાબ ન મળતા કંઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. જેથી જશુબેન ધ્રોલ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.


પોલીસ પૂછપરછમાં હત્યાનો ભાંડો ફૂટ્યો.
મૃતક પરિણીતાની માતાએ ધ્રોલ પોલીસને જાણ કરતા પોલીસે મનસુખ ચૌહાણને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા જ મનસુખ પડી ભાંગ્યો હતો અને પોતે જ પોતાની પત્નીની હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી.


પત્નીને ગળેટૂંપો આપી મૃતદેહને ઘર પાસે દાટી દીધી...
મનસુખ ચૌહાણ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો. શંકાના કારણે જ 1 એપ્રિલની રાત્રે પોતાની પત્ની સોનલને પોતાના ઘર પાસે રહેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો. ત્યાં ગળું દબાવી સોનલની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ રાત્રે જ પોતાના ઘરે આવી ફળીયામાં વિશાળ ખાડો ખોદ્યો હતો અને તેમાં પત્નીના મૃતદેહને દફનાવી દીધો હતો. ખાડા પર પથ્થર અને માટી નાખી જાણે કંઈ થયું જ નથી તે રીતે જમીન સમથળ કરી નાખી હતી.


પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો...
આરોપીએ પોતાના ઘર પાસે જ પત્નીના મૃતદેહને દફનાવી હોવાની માહિતી મળતા પોલીસ મોડી રાત્રે ગરેડીયા રોડ પર આવેલા આંબેડકનગરમાં આરોપીના ઘર પર પહોંચી હતી. આરોપીએ જે જગ્યા બતાવી ત્યાં પોલીસે ખોદકામ કરતા મૃતક પરિણીતાની લાશ મળી આવી હતી. જેને પીએમ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે મૃતક સોનલબેનના માતા જશુબેનની ફરિયાદના આધારે આરોપી મનસુખ ચૌહાણ સામે હત્યા અને પુરાવાના નાશ કરવાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.