અતુલ તિવારી/અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા પોસ્ટમોર્ટમ રૂમની બહાર સિવિલ હોસ્પિટલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે પાર્કિંગને લઈને તકરાર ચાલી રહી છે. આ તકરારના કારણે આજે મૃતદેહોને રઝળવાનો વારો આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દ્રશ્યો એવા સર્જાયા કે જેનાથી મોતનો મલાજો પણ ન જળવાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વધુ એક એવી ઘટના બની જેને જોઈને નજર શરમથી ઝુકી જાય. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો મૃતદેહને તેમના ઘર સુધી પહોંચાડતા હોય છે. પરંતુ એમ્બ્યુલન્સના પાર્કિંગને લઈને એમ્બ્યુલન્સ ચાલકો અચાનક હડતાળ પર ઉતરી ગયા. એમ્બ્યુલન્સ ચાલકો હડતાળ પર ઉતરી જતા અનેક મૃતદેહો રઝળી પડ્યા હતા. નાછુટકે કોઈને શટલ રીક્ષામાં લઈ જવા પડ્યા હતા. તો કોઈને અન્ય વાહનમાં લઇ જવા માટે દર્દીઓનો પરિવાર મજબૂર બન્યો હતો.  કોઈ મૃતદેહો તો કલાકો સુધી બહાર જ પડ્યા રહ્યા હતા. 


એમ્બ્યુલન્સ માટે હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા ફાળવાઈ હોવા છતા તેઓ રસ્તા પર પાર્ક કરતા હોવાથી પોલીસે ગાડીઓ લોક મારી દીધી હતી. જેથી એમ્બ્યુલન્સ ચાલકો સ્વૈચ્છિક હડતાળ પાડી હતી. આમ પોલીસ અને એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચેની લડાઈમાં મૃતદેહો રઝળી પડ્યા હતા. કલાકો સુધી મૃતદેહને ઘરે લઈ જવા પરિવારને વાહન પણ ન મળ્યા અને પોલીસ તથા એમ્બ્યુલન્સ ચાલકોની લડાઈમાં મોતનો મલાજો પણ જળવાયો નહિ.


પાર્કિંગની સમસ્યાને લઈ ઉભી થયેલી માથાકૂટ મૃતદેહ અને પરિવારજનો માટે મુશ્કેલી બની ગઈ હતી. વિશ્વની સૌથી મોટી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન મળતા મૃતદેહને શટલ રીક્ષામાં લઈ જવા પડ્યા તે એક દુખદ બાબત છે. હાલ તો એમ્બ્યુલન્સ ચાલકો અને સિવિલના એડિશનલ સુપ્રીન્ટેન્ડેન્ટ વચ્ચે બેઠક બાદ મામલો થાળે પડ્યો છે. પરંતુ આ પ્રકારના દ્રશ્યો ફરી સિવિલ હોસ્પિટલમાં ન સર્જાય તેની સંભાળ રાખવાની ફરજ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની જ છે.