અરર...આવા Pizza! અમદાવાદના ફેમસ પિત્ઝા હાઉસના ગંદા કિચનની તસવીરો થઈ વાયરલ
આ દ્રશ્યો જોશો તે પિત્ઝા ખાવાની ખો ભૂલી જશો! અમદાવાદના જાણીતા પિત્ઝા હાઉસની ગંદકીનો પર્દાફાશ. અમદાવાદના ફેમસ પિત્ઝા હાઉસમાં AMCએ દરોડા પાડ્યા તો સામે આવી ચોંકાવનારી તસવીરો....
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ચોમાસાની શરૂઆતની સાથો-સાથ અમદાવાદમાં રોગચાળાએ પણ માજા મુકી છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જેનું એક કારણ બહારનો બિનઆરોગ્ય પ્રદ ખોરાક પણ છે. જેને પગલે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન જાણીતા પિત્ઝા હાઉસની વરવી તસવીર સામે આવી. એ તસવીરો જોઈને તમે પિત્ઝા ખાવું જ છોડી દેશો.
AMC ની ટીમને વસ્ત્રાપુરના લા પિનોઝ પીઝા સેન્ટરમાં મળી આવી મોટી બેદરકારી. સ્વાદિષ્ટ પીઝા ખાનારા લોકોને ચેતવા જેવો કિસ્સો. પીઝા તૈયાર થાય છે ત્યાં જ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી. તૈયાર કરાયેલા પીઝાની નજીક જ ખુલી ડસ્ટબીન અને ગંદકીથી ભરેલી કિચન સિંક. એંઠવાડનો નિકાલ થાય છે ત્યાં રેક પર સેંકડોની સંખ્યામાં પીઝા બેઝ મૂકી રખાયા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસર મહેન્દ્ર પટેલે જણાવ્યુંકે, ચોમાસામાં રોગચાળો વધવાની આશંકાએ અમદાવાદમાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સક્રિય થયું છે. હેલ્થ ફ્લાયિંગ સ્ક્વોડ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ખાણીપીણીની દુકાનો અને સ્ટોરમાં તપાસ હાથ ધરાઈ છે. એકમોમાં સ્વ્ચ્છતા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિતના મુદ્દે જુદી જુદી ટીમોની તપાસ ચાલી રહી છે. વિવિધ ખાદ્ય ચીજોના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે
આ તપાસ અભિયાનમાં amc દ્વારા મોબાઈલ ટેસ્ટિંગ વાનનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાનમાં રાખેલી મેજીક બોક્ષ કીટ થકી સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક સાધનો અને કેમિકલની મદદથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ પકડી શકાય છે. તેથી તંત્ર દ્વારા આવી આધુનિક ટેકનોલોજીની મદદ લઈને શહેરીજનોના આરોગ્ય સાથે થતા ચેડાને અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આમાં જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.