અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં ચાલી રહેલા ટ્રાફીક અને પાર્કિંગ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની ઝાટકણી કાઢવાનું યથાવત રાખ્યુ છે. ત્યારે પોલીસ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હાઇકોર્ટના આદેશથી સક્રીય થયુ છે. અને શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યુ છે. પરંતુ હંમેશની માફક કોર્ટને બતાવવા પુરતી સુવિધાઓ ઉભી કર્યા બાદ તેના રખરખાવ માટે તંત્ર કેટલુ બેધ્યાન છે તેના વરવા ઉદાહરણ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા પંદર દિવસથી મેગાસીટી અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટે દ્વારા ટ્રાફીક અને વાહનનોના પાર્કિંગ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. કોર્ટની આકરી ફટકાર બાદ પોલીસ તંત્ર તો તુરંત જ હરકતમાં આવી ગયુ છે જેની અસર હજીપણ શહેરભરમાં વર્તાઇ રહી છે. 


ખાસ કરીને ટ્રાફીકથી ધરમધમતા પશ્ચિમ તરફના વિસ્તારોમાં પોલીસ અત્યંત કડકાઇથી ટ્રાફીક અને પાર્કિંગ મામલે કાર્યવાહી કરી રહી છે. તો કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને પણ આડે હાથે લેતા કોર્પોરેશનને પણ વિવિધ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જે અંતર્ગત તંત્રએ કોર્ટમાં જવાબ આપી વિવિધ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યુ છે. જેમાં અત્યાર સુધી વિવિધ 700થી વધુ નોટીસો આપવામાં આવી છે.


હાલ ભલે એએમસી વિવિધ કાર્યવાહી કરવાના દાવા કરતુ હોય પરંતુ એટલુ સ્પષ્ટ છે કે ભય વિના પ્રીત નહી. એટલે કે હાઇકોર્ટની ફટકાર બાદ જ પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દોડતુ થયુ છે. ત્યારે તંત્રની આજ કામગીરી સતત ચાલુ રહે તે પણ એટલુ જ જરૂરી છે.