અર્પણ કાયદાવાલા/અમદાવાદ: છેલ્લાં દોઢ વર્ષથી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ રોડને જોડતો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ એટલે કે, હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયેલો છે. ગુજરાત અને દેશની ચાર જાણીતી ખાનગી અને સરકારી સંસ્થાઓએ આ ફ્લાયઓવરના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા કર્યા હતા સાથે તેને તોડી પાડવાની ભલામણ પણ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અસ્તિત્વમાં આવ્યાના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યુ છે કે, કોઇ મહાનગરપાલિકાએ ફ્લાયઓવર બાંધ્યો હોય અને તે પાંચ વર્ષમાં તોડવો પડે તેવી નોંબત આવી હોય. 100 વર્ષનું આયુષ્ય ધરાવતો હાટકેશ્વર ફ્લાયઓવર 5 વર્ષમાં જ ખખડી ગયો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હાટકેશ્વર ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 


વર્ષ 2021 અને 2022ના બે વર્ષમાં આ હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજમાં 6 મોટા ગાબડાં પડી ચૂક્યા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્રએ આઇઆઇટી રુડકી અને ત્રણ એક્સપર્ટની કમિટી પાસે આ ફ્લાયઓવર બ્રિજનો ફાઇનલ રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ હાટકેશ્વર ફ્લાયઓવર તોડી પાડવાનો અંગેનો આખરી નિર્ણય લેવાયો હતો.


આ સમગ્ર પ્રકરણ સમજવા જેવું છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ રોડને જોડતો ફ્લાયઓવર બાંધવામાં આવ્યો હતો. આ હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજની ટેકનીકલ બાબતમાં એવું હતુ કે, 45 મીટર PSC બોક્સના 2 સ્પાન, 33 મીટર સ્પાનના 6 PSC બોક્સ, 10.42 મીટરના આરસીસી સોલિડ સ્લેબના સ્પાન અને તે પછી આરસીસી રિટેનિંગ વોલ બનાવવામાં આવી હતી. આ બ્રિજના ડેકની પહોળાઇ 16.5 મીટરની છે, ચાર લેનનો બ્રિજ છે. બંને બાજુએ બે લેન છે. 


ગુજરાત સરકારના પરિપત્ર મુજબ, વર્ષ 2015માં આ ફ્લાયઓવર બ્રિજની ડિઝાઇન ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના ડિઝાઇન સર્કલ દ્વારા મંજુર કરવામાં આવી હતી. ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના ડિઝાઇન સર્કલ દ્વારા તા. 16 એપ્રિલ 2016ના રોજ 45 મીટરના બે સરખા સ્પાન મંજૂર કરવામાં આવ્યા હતા. તા. 10 એપ્રિલ 2015માં આ બ્રિજનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતુ. 


આ ફ્લાયઓવર રુ.39.87 કરોડમાં તૈયાર થયો હતો. વર્ષ 2017માં આ ફ્લાયઓવરને ટ્રાફિક માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ફ્લાયઓવરની ડિફેક્ટ લાયબીલીટી એક વર્ષની રાખવામાં આવી હતી જ્યારે ફ્લાયઓવરનું આયુષ્ય 100 વર્ષ નક્કી કરાયું હતુ. આ ફ્લાયઓવર બ્રિજ વર્ષ 2017થી 2021 સુધી કાર્યરત રહ્યો હતો પછી ફ્લાયઓવરના કામમાં ડખા શરુ થયા હતા.
 
પ્રથમ વખત, માર્ચ 2021માં હાટકેશ્વર ફ્લાયઓવરના ખોખરા બાજુના 45 મીટરના સ્પાનના PSC બોક્સના ટોપ સ્લેબમાં એક જગ્યાએ ક્રોકિંટ ક્રશ થવાનો પ્રશ્ન સામે આવ્યો હતો એટલે કે, ફ્લાયઓવરના એક ભાગમાં નાનકડું ગાબડું પડ્યું હતુ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ તે વખતે તેનું તાકીદે ઉચ્ચ ગ્રેડના માઇક્રો ક્રોકિંટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતુ. કોંક્રિટની ગુણવત્તા તથા સ્ટ્રેન્થ જાણવા માટે 45 મીટરના સ્પાનના PSC બોક્સ સુપર સ્ટ્રકચરના NDT ટેસ્ટ પરીક્ષણો કરવા ઉપર ચર્ચા કરી હતી. તે પછી, મે 2021માં M/s CIMEC નામની ખાનગી લેબોરેટરી દ્વારા રિબાઉન્ડ હેમર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. NDT ટેસ્ટના પ્રારંભિક પૈકીના એક ટેસ્ટને રિબાઉન્ડ હેમર ટેસ્ટ કહેવાય છે. ફ્લાયઓવરના 45 મીટરના ટોપ સ્લેબ ઉપર રિબાઉન્ડ હેમર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા અને તપાસ કરવામાં આવી હતી. 


આ ટેસ્ટના પરિણામમાં સામે આવ્યું હતુ કે, હાટકેશ્વર ફ્લાયઓવરની ડિઝાઇન મુજબ, ટોપ સ્લેબનો કોક્રિંટ ગ્રેડ M-45નો હોવો જોઇએ પણ કોક્રિટ ગ્રેડ કરતાં ઓછો હતો. તે M-25થી M-30ની આસપાસના ગ્રેડનો ક્રોકિંટ હોવાનું સામે આવ્યું હતુ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અન્ય ટેસ્ટ કરાવવાને બદલે સમારકામ ઉપર ભાર મૂક્યો હતો. ફરીથી ફેબ્રુઆરી 2022, જુન 2022 તથા ઓગસ્ટ 2022 અલગ અલગ બે  ઘટનાઓમાં 45 મીટરના બંને સ્પાનના ટોપ સ્લેબમાં ક્રોકિંટ ક્રશ થયું હતુ અને ગાબડાં પડ્યા હતા. જુન અને ઓગસ્ટ 2022 દરમિયાન પડેલાં ગાબડાં મોટા હતા. આ ફ્લાયઓવરને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. આ ફ્લાયઓવર બંધ થવાના કારણે હેવી ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને નાગરિકો દ્વારા ફ્લાયઓવર ખુલ્લો મૂકવા માટે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી જેથી હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. 


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જરુરિયાતને ધ્યાને રાખીને ગાબડાં રિપેરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આ સમારકામ પહેલાં રાજ્ય સરકારના આર એન્ડ બી વિભાગને જાણ કરવામાં આવી હતી તેઓએ સમારકામની મંજુરી આપી હતી પણ NDT ટેસ્ટ કરાવવા ભલામણ કરી હતી. જેથી આખરે સપ્ટેમ્બર 2022માં 45 મીટરના સ્પાનને મજબુત કરવા માટે સમારકામ શરુ કરવામાં આવ્યું હતુ અને સાથે NDT ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે અલગ-અલગ લેબ KCT અને CIMECને જરુરી NDT ટેસ્ટ માટે નિયુક્ત કરાઇ હતી. અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી (યુપીવી) તથા ક્રોકિટ કોર ટેસ્ટ બધાજ એલાઇમેન્ટ માટે કરવામાં આવ્યા હતા. 


આ બંને લેબોરેટરી દ્વારા પ્રાપ્ત થયેલા પરિણામો પ્રમાણે, હાટકેશ્વર ફ્લાયઓવરનો 45 મીટરના સ્પાનના PSC બોક્સના ટોપ સ્લેબ, વેબ અને બોટમ સ્લેબ બધા જ ભાગોમાં કોક્રિંટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી (M-10થી M-15 ની રેન્જમાં) આવી હતી. મટીરીયલની ગુણવત્તા શંકાસ્પદ લાગી હતી. જેથી તાત્કાલિક સમારકામ બંધ કરાયું હતુ. આ પછી સુરતની સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ પણ ફ્લાયઓવરના મટીરીયલની ચકાસણી કરી હતી અને પોતાનો રિપોર્ટ આપ્યો હતો. ગુજરાત અને દેશની પ્રતિષ્ઠિત એવી સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ પણ હાટકેશ્વર ફ્લાયઓવરની નબળી ગુણવત્તા ઉપર મહોર મારી હતી. આ તમામ ચાર લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આખરે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશ દ્વારા આઇઆઇટી રુડકીને તમામ રિપોર્ટ મોકલીને તેમનો આખરી અભિપ્રાય માગ્યો હતો. 


આઇઆઇટી રુડકીના તજજ્ઞો પાસે હાટકેશ્વર ફ્લાયઓવર બચાવવા માટે સલાહ માગવામાં આવી છે સાથે તેને સ્ટ્રેન્થન કરવા માટે શું કરી શકાય તે અંગે અભિપ્રાય માગ્યો હતો. આ પછી ત્રણ એક્સપર્ટની કમિટી પાસે ફાઇનલ રિપોર્ટ માગ્યો હતો. આ ફાઇનલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો જેથી ફ્લાયઓવરને તોડી પાડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. હજુપણ આ ફ્લાયઓવર તોડવામાં આવ્યો નથી. ક્યારે તોડવામાં આવશે તેની કોઇ મુદત નક્કી નથી. કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ આ પ્રકરણમાં જેલની હવા ખાઇ આવ્યા છે. સવાલ અહીંથી ઉભો થાય છે.
 
માત્ર વિઝ્યુઅલ ઇન્સપેક્શનથી કોઇ ફ્લાયઓવરની ગુણવત્તા ખબર પડે ખરી
 હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજ કોઇ સામાન્ય નાગરિક જુએ તો નવો જ લાગે છે. બહારથી જોઇએ તો આ બ્રિજમાં કોઇ ખામી દેખાતી નથી પણ તેનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો એટલે ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવી હતી પછી જરુરી રિપોર્ટ કરાવ્યા પછી તેની હલકી ગુણવત્તાની પોલ ખુલી હતી. હવે અહીંથી કહાની શરુ થાય છે. માત્ર કોઇ ફ્લાયઓવરનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરવાથી તેની ગુણવત્તાની ચકાસણી ખબર પડી શકે ખરી તે મોટો સવાલ છે.
 
ચોમાસા પહેલાં 82 બ્રિજ ઇન્સપેક્શન કરવાના હતા પણ થયા માત્ર 55
અમદાવાદ શહેરમાં હાટકેશ્વર ફ્લાયઓવરની નબળી ગુણવત્તા સામે આવી, શહેરના એસપી રિંગ રોડ ઉપર આવેલો મુમદપુરા ફ્લાયઓવર બ્રિજનો સ્લેબ તુટી ગયો. મોરબીમાં ઝુલતો પુલ પડી ગયો અને કેટલાય નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યાં. તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક પુલ પડી ગયો. આવી કેટલાંય નબળા પુલો પડી જવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ વર્ષ 2023ના ચોમાસાની સિઝનની શરુઆત થાય તે પહેલાં રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ શહેરોમાં બ્રિજ ઇન્સપેક્શન કરાવવા માટે આદેશ કરાયો હતો. જેમાં ચોમાસા પહેલાં અને ચોમાસા પછી બ્રિજના ઇન્સપેક્શન કરવાનું હતુ પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મળતિયા કન્સલટન્ટને કામ આપવા માટે જાણીજોઇને વિલંબ કરવામાં આવ્યો હતો. 


સ્થિતિ એવી થઇ હતી કે, ચોમાસા પહેલાં શહેરના તમામ 82 ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરવાનું હતુ અને જે બ્રિજની સ્થિતિ ખરાબ લાગે તેના જરુરી ટેસ્ટ પણ કરવાના હતા પણ શું થયું તે મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન પહેલાં કન્સલટન્ટ પાસે 82 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન પૂર્ણ કરી રિપોર્ટ સબમીટ કરવાનો હતો પણ ચોમાસું પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી 82 પૈકી માત્ર 55 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરવામાં આવ્યું છે. બાકીના 27 બ્રિજનું તો વિઝ્યુઅલ ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું નથી. 


ચોમાસા પહેલાં 82 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરવાનું હતુ પણ માત્ર 55 બ્રિજનું ઇન્સપેક્શન પૂર્ણ કરાયું છે, જ્યારે 27નું બાકી છે. હવે ચોમાસાની સિઝન પૂરી થશે એટલે નિયમ મુજબ, ફરી 82 બ્રિજનું ઇન્સપેક્શન કરવાનું થશે તો, હજુ સુધી તો ચોમાસા પહેલાં કરવાની થતી કામગીરી પૂરી કરવામાં આવી નથી. આવું કેમ થયું તેનું વિશ્લેષણ કરવું જરુરી છે.
 
રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગે અમદાવાદ શહેર સહિત તમામ મહાનગરપાલિકા અને ઓથોરીટી વિસ્તારોમાં આવેલા બ્રિજની ચકાસણી કરવા માટે આદેશ કર્યો હતો સાથે રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગે પોતાના કાર્યક્ષેત્રમાં આવતાં વિસ્તારના બ્રિજની ચકાસણી માટે બ્રિજ ચકાસણી માટે 7 કન્સલટન્ટની પેનલ બનાવી હતી પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ 7 કન્સલટન્ટની પેનલમાંથી 3 ત્રણ કન્સલટન્ટની બ્રિજ ઇન્સપેક્શન માટે પસંદગી કરી હતી. 


આ અંગેની દરખાસ્ત ગત તા.17મી એપ્રિલ 2023ના રોજ મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં મૂકવામાં આવી હતી જેમાં અમદાવાદ મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ શહેરમાં ચોમાસા પહેલાં અને ચોમાસા પછી શહેરના તમામ 82 બ્રિજના ઇન્સપેક્શન માટે ટેન્ડર વિના 3 કન્સલટન્ટની પેનલ બનાવવાની દરખાસ્તને મૂકવામાં આવી હતી જેમાં વિવાદી કન્સલટન્ટ પણ હતા. જેથી પેનલ બની ન હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવાદીત ન હોય તેવા કન્સલટન્ટને બ્રિજ ઇન્સપેક્શનની કામગીરી સોંપી દેવામાં આવી હતી પણ વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે બ્રિજ ઇન્સપેક્શનની કામગીરી મોડી શરુ થઇ હતી. 


પહેલાં ટેન્ડર વગર પેનલ બનાવી પછી ટેન્ડર કરાયું પછી ટેન્ડરને સાઇડમાં મૂકીને મનગમતા કન્સલટન્ટોની પેનલ બનાવી દીધી હતી. હાટકેશ્વર બ્રિજની નબળી ગુણવત્તા, છાશવારે બ્રિજ પડવાની ઘટનાઓ છતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં બ્રિજનું સમયસર ઇન્સપેક્શન થાય તે માટે ઉતાવળ કરી ન હતી. આ વહીવટી ભૂલના કારણે કન્સલટન્ટની નિમણૂંકમાં વિલંબ થયો હતો પણ સવાલ અહીં એ છે કે, જો માત્ર વિઝ્યુઅલ ઇન્સપેક્શન જ કરાવવાનું હોય તો પછી કન્સલટન્ટ નિમવાની શું જરુર હતી. આ પ્રકારની કામગીરી તો રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના ઇજનેરો દ્વારા કરવામાં આવે છે. 


જો રાજ્ય સરકાર પોતાના ઇજનેરો પાસે પોતાના બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાવી શકતી હોય તો પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પોતાના ઇજનેરો પાસે વિઝ્યુઅલ ઇન્સપેક્શન કેમ કરાવી શકે નહીં. આ માટે કન્સલટન્ટ નિમવાની શું જરુર હતી. કન્સલટન્ટ નિમવા જ હતા તો પછી ઉતાવળ કેમ કરવામાં આવી નહીં. આ સમગ્ર પ્રક્રિયામાં થયેલાં વિલંબના કારણે બ્રિજ ઇન્સપેક્શનનો કોઇ અર્થ સરતો નથી.
 
રાજ્ય સરકારે પરિપત્ર કરીને ચોમાસા પહેલાં અને ચોમાસા પછી બ્રિજનું ઇન્સપેક્શન કરાવવું તેવો આગ્રહ રાખ્યો હતો તો પછી તેનો મતલબ હશે. ચોમાસા પહેલાં તમામ બ્રિજનું એકવાર વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરવામાં આવે અને જે રિપોર્ટ આપવામાં આવે તે રિપોર્ટના આધારે ચોમાસા પછી બ્રિજની સ્થિતિમાં કોઇ ફેર પડ્યો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચોમાસા પહેલાં ફરી ઇન્સપેક્શન કરાવવા ઉપર ભાર મૂકાયો હતો પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પોતાની વહીવટી વિલંબની ભૂલના કારણે રાજ્ય સરકારના પરિપત્રનો જ છેદ ઉડાડી દીધો છે. હવે ચોમાસા પછી બ્રિજના ઇન્સપેક્શનનો કોઇ અર્થ રહેશે નહીં કેમ કે, આ તમામ બ્રિજના ઇન્સપેક્શન ચોમાસાની સિઝન દરમિયાન કરવામાં આવ્યા છે.
 
શહેરમાં 82 પૈકીના 55 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાયું
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખુદ મીડિયામાં આપવામાં આવેલો રિપોર્ટ દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં 82 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરવા માટે કન્સલટન્ટની પેનલ બનાવી હતી તેઓએ ચોમાસાના બે ત્રણ મહિના દરમિયાન 55 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરીને 9 બ્રિજની હાલત ઠીકઠાક છે એટલે કે, ફેર છે તેવો રિપોર્ટ આપ્યો છે જ્યારે એક બ્રિજ એવો છે જેની સ્થિતિ દયનીય એટલે કે, પુઅર કેટેગરીમાં હોવાનો રિપોર્ટ આપ્યો છે. જોકે, રિપોર્ટમાં વાપરવામાં આવેલા શબ્દો પણ ચિંતા જન્માવે તેવા છે. ઉદાહરણ તરીકે, રિપોર્ટમાં ત્રણ શબ્દ મૂકવામાં આવ્યા છે 1. ગુડ 2. ફેર 3. પુઅર..


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને 82 પૈકીના 55 બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાવ્યું છે. અમદાવાદ શહેરમાં 82 બ્રિજ પૈકી 15થી 20 બ્રિજ એવા છે કે, જે છેલ્લાં 15થી 20 વર્ષમાં બાંધવામાં આવેલા છે. છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો, ઓછામાં ઓછા 8થી 10 બ્રિજ બાંધવામાં આવ્યા છે. હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 100 વર્ષની સ્ટ્રકચરલ સ્ટેબીલીટીવાળા બ્રિજ બનાવવામાં આવે છે તો કોઇ બ્રિજ બન્યાના 10 કે 15 વર્ષમાં તેનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાવવામાં આવે તો તેવા બ્રિજને અલગ તારવવા જોઇએ. 


ઉદાહરણ તરીકે, અમદાવાદ શહેરમાં 82 બ્રિજ છે તો છેલ્લાં એક દાયકામાં બનેલા બ્રિજનું વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાવવામાં આવે તો તેની સ્થિતિ ચકાસવા માટે 1. એક્સલેન્ટ, 2. વેરી ગુડ, 3. ગુડ, 4. ફેર અને 5. પુઅર એવી કેટેગરી પાડવી જોઇએ. કેમ કે, બ્રિજની સ્થિતિ 10 કે 15 વર્ષમાં ગુડ કેટેગરીની હોય તો પણ તે ચિંતાનો વિષય છે. તેની સ્ટ્રકચરલ સ્થિતિ વેરી ગુડ કે પછી એક્સલેન્ટ હોવી જોઇએ. ઉદાહરણ તરીકે જોઇએ તો, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2013માં ગુજરાત કોલેજવાળો રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હવે 10 વર્ષ પછી આ બ્રિજનું ઇન્સપેક્શન કરવામાં કરવામાં આવ્યું હતુ તો તેને ફેર કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે એટલે કે, સમારકામની જરુરિતાય છે તેવો મત, વ્યક્ત કરવામાં આવ્યો છે. 


શહેરમાં ઓછા વપરાતાં બ્રિજમાં સમાવેશ થયાં ગુજરાત કોલેજ રેલવે ફ્લાયઓવર બ્રિજ માત્ર 10 વર્ષમાં ખખડી ગયો છે તે સાબિત થઇ રહ્યું છે. આ તો માત્ર વિઝ્યુઅલ ઇન્સપેક્શનનો રિપોર્ટ છે. આવી સ્થિતિ, પરિમલ અંડરપાસની છે. વર્ષ 2011માં પરિમલ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ અંડરપાસ બન્યાને હજુ તો માંડ 12 વર્ષનો સમય વિત્યો છે પણ આ વિઝ્યુઅલ ઇન્સપેક્શનના રિપોર્ટમાં એવું દર્શાવ્યું છે કે, પરિમલ અંડરપાસની રિર્ટનિંગ વોલમાં તિરાડો પડેલી છે. માત્ર 12 વર્ષમાં આ અંડરપાસ પણ ખખડી ગયો છે તેવું સાબિત થાય છે.


50થી 100 વર્ષની સ્ટ્રકચરલ સ્ટેબીલીટીના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરીને તૈયાર થતાં બ્રિજ માત્ર 10 કે 15 વર્ષમાં ખખડી જાય તો તે ચિંતાનો વિષય છે. આ સ્થિતિ તો માત્ર વિઝ્યુઅલ ઇન્સપેક્શનમાં સામે આવી છે પણ વાસ્તવિકતા એ છે કે, વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાવવાથી બ્રિજ કે અંડરપાસની માત્ર બહારની સ્થિતિનો ખ્યાલ આવે છે તેની સ્ટ્રકચરલ સ્ટેબીલીટીનો ખ્યાલ આવતો નથી. બ્રિજના મટીરીયલનો ખ્યાલ આવતો નથી.
 
છેલ્લાં બે દાયકામાં બનેલા તમામ બ્રિજના જરુરી ટેસ્ટ કરાવવા જોઇએ..
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બનાવેલા હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજ તો માત્ર 5 વર્ષમાં જ ખખડી ગયો છે જેથી છેલ્લા બે દાયકામાં બનેલા તમામ બ્રિજની ગુણવત્તા શંકાના દાયરામાં છે. કારણ કે, મોટાભાગના કિસ્સામાં આ જ અધિકારીઓ અને કન્સલટન્ટોની દેખરેખ હેઠળ છેલ્લાં બે દાયકામાં 10થી વધુ બ્રિજ કે અંડરપાસ બન્યા છે. હવે સમય આવી ગયો છે કે, છેલ્લા બે દાયકામાં બનેલા તમામ બ્રિજ કે અંડરપાસના ટેસ્ટ કરાવવા જોઇએ. ઉદાહરણ તરીકે, વિઝ્યુઅલ ઇન્સપેક્શન બાદ હવે 82 બ્રિજ પૈકી જે બ્રિજ છેલ્લાં બે દાયકામાં બન્યા છે તેમના મટીરીયલની ચકાસણી કરવી જોઇએ. તેના સ્ટ્રકચરની ચકાસણી પણ થવી જોઇએ. 


છેલ્લા બે દાયકામાં બનેલા તમામ અંડરપાસ, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજના 1. રિબાઉન્ડ હેમર ટેસ્ટ 2. અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી (યુપીવી) તથા 3. ક્રોકિટ કોર ટેસ્ટ કરાવવા જોઇએ. આ ઉપરાંત અન્ય જુના બ્રિજ છે જેની સ્થિતિ સાવ ખરાબ છે તેવા તમામ બ્રિજના NDT ટેસ્ટ કરાવવા જોઇએ. કેમ કે, હાટકેશ્વર બ્રિજનું જો માત્ર વિઝ્યુઅલ ઇન્સપેક્શન કરાવ્યું હોત તો કદાચ આ કન્સલટન્ટ દ્વારા તેનો પણ રિપોર્ટ ફેર કેટેગરી એવો આપ્યો હોત. બહારથી ખુબસુરત દેખાતાં બ્રિજ જરુરી નથી કે, મજબુત હોય. 


જેથી અમદાવાદ શહેરમાં છેલ્લા બે દાયકામાં બનેલા તમામ બ્રિજના 1. રિબાઉન્ડ હેમર ટેસ્ટ 2. અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી (યુપીવી) તથા 3. ક્રોકિટ કોર ટેસ્ટ કરાવવા આવે તેવી અમારી માગણી છે જ્યારે જુના બ્રિજ પૈકી રેન્ડમ બ્રિજ સિલેક્ટ કરીને તેના NDT ટેસ્ટ કરાવવામાં આવે તેવી અમારી માગણી છે.