AMC ના ઈજનેર ખાતાની જર્જરિત બિલ્ડીંગ માટેની બહાનેબાજી બાળકોનું શિક્ષણ કરે છે બરબાદ
નગર પ્રાથમિક સમિતિ, અમદાવાદની ઘણી શાળાઓને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન બિલ્ડીંગ ઈજનેર ખાતા દ્વારા ભયજનક બતાવી ખાલી કરાવી દેવાઈ છે. પરંતુ સમારકામને લગતી કોઈ કામગીરી નાં કરાયોનો આક્ષેપ સ્કુલ બોર્ડના સભ્ય ઈલ્યાસ કુરેશી દ્વારા કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને પત્ર લખી ઈલિયાસ કુરેશીએ ષડયંત્ર અને ભ્રષ્ટાચાર કરાઈ રહ્યા હોવા અંગે રજૂઆત કરી વિજીલન્સ તપાસની માગ કરી છે.
અતુલ તિવારી/અમદાવાદ :નગર પ્રાથમિક સમિતિ, અમદાવાદની ઘણી શાળાઓને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન બિલ્ડીંગ ઈજનેર ખાતા દ્વારા ભયજનક બતાવી ખાલી કરાવી દેવાઈ છે. પરંતુ સમારકામને લગતી કોઈ કામગીરી નાં કરાયોનો આક્ષેપ સ્કુલ બોર્ડના સભ્ય ઈલ્યાસ કુરેશી દ્વારા કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને પત્ર લખી ઈલિયાસ કુરેશીએ ષડયંત્ર અને ભ્રષ્ટાચાર કરાઈ રહ્યા હોવા અંગે રજૂઆત કરી વિજીલન્સ તપાસની માગ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના સભ્ય ઈલીયાસ કુરેશીએ 8 સ્કૂલનો નામ સાથે આક્ષેપ કર્યા છે કે, કેટલીક શાળાઓ માત્ર સામાન્ય સમારકામ બાદ આવતા 25 વર્ષ સુધી ટકી રહી શકે તેમ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઈજનેર ખાતું જાણી જોઈને કેટલીક સ્કૂલોને ભયજનક જાહેર કરે છે. શાળાઓ ખાલી કરાવાયા બાદ વર્ષો અને મહિનાઓ સુધી કામગીરી શરુ કરાતી નથી. જેથી શાળાને મૂળ સ્થાનથી દૂર ખસેડવાની ફરજ પડી છે. જેના કારણે ડ્રોપ આઉટ રેશિયોમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે અનેક બાળકોના અભ્યાસ પણ બગડી રહ્યા છે. દાણીલીમડાની મ્યુનિસિપલ સ્કુલ કે જ્યાં ઝી 24 કલાકની ટીમે મુલાકાત પણ લીધી હતી, એ શાળા વર્ષ 2016 થી જર્જરિત હોવાનું કહી તોડી પડાઈ હતી, જેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. 5 વર્ષ પૂર્ણતાને આરે છે પરંતુ સ્કુલ શરૂ થઈ શકી નથી. વધુમાં ઈલિયાસ કુરેશીએ કહ્યું હતું કે આ રીતે સમારકામના નામે બંધ થયેલી કેટલીક શાળાઓ જુગાર તેમજ અનૈતિક કામોનો અડ્ડો બની જાય છે. અમુક ભાડા પટ્ટે સમિતિને હસ્તક રહેલી શાળાઓ ખાલી કરાવી તેનો કબજો મકાન માલિકને સોંપી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી સમારકામના નામે બંધ થયેલી શાળાઓ પર એક નજર કરીએ....
- જમાલપુર ઉર્દુ શાળા નંબર 6 આસ્ટોડિયા
- ગોમતીપુર શાળા નંબર 3/4 કામદાર મેદાન
- ગોમતીપુર શાળા નંબર 1/2 સિમેન્ટની ચાલી
- રાજપુર ઉર્દુ શાળા નંબર 1/2/6/7 શમશેરબાગ ગોમતીપુર
- રખિયાલ હિન્દી શાળા નંબર 1, રખિયાલ ગામ
- રખિયાલ ઉર્દુ શાળા નંબર 1/2, રખિયાલ
- દાણીલીમડા ગુજરાતી શાળા નંબર 1/2
- દાણીલીમડા ગુજરાતી શાળા નંબર 3/4
સ્કુલ બોર્ડ હસ્તકની કેટલીક શાળાઓ સમારકામના નામે હાલ બંધ છે આ બાબતનો સ્વીકાર નગર પ્રાથમિક સમિતિના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર દ્વારા કરવામાં આવ્યો. પરંતુ સ્કુલ બોર્ડના સભ્ય ઈલિયાસ કુરેશીના આક્ષેપોને તેઓએ ફગાવ્યા હતા અને કહ્યું કે કોર્પોરેશનનું ઈજનેર ખાતું જે રિપોર્ટ આપે છે એ અમારે માન્ય રાખવાનું રહે છે, બાળકોનું હિત અમારે માટે સર્વોપરી છે. નવું બાંધકામ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. કોરોનાના લોકડાઉનને કારણે બાંધકામ સમયસર શરૂ નાં કરી શકાયું એ સત્ય છે, જેના સંદર્ભે થોડા સમય પહેલા જ અમે પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ઝડપથી સ્કુલનું બાંધકામ શરૂ કરી પૂર્ણ કરવા વિનંતી કરી છે. જેના સંદર્ભમાં અમને શાળાઓને પ્રાયોરિટી આપવા માટે કહેવામાં આવ્યું હતું, 6 શાળાઓ ઝડપથી બનીને તૈયાર થાય તેના નામ સાથેની માહિતી મોકલી આપી છે.
આ સાથે જ શાળાઓ ખાલી કરાવી તેનો કબજો મકાન માલિકને સોંપી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાના ઈલીયાસ કુરેશીએ કરેલા આક્ષેપ મામલે ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આ આક્ષેપમાં કોઈ દમ નથી, સૌ કોઈ જાણે છે કે સ્કુલ બોર્ડને 100 વર્ષ પૂર્ણ થયા છે એવામાં અનેક શાળાઓના બાંધકામ જુના છે, કેટલીક શાળાઓ ભાડા પટ્ટે છે, જેના માલિક હાલ હયાત નથી, તેમના બાળકો હાલ હોય છે એવામાં શરત મુજબ બાંધકામ કોઈ ફેરફાર અમે પણ કરી શકતા નથી, મંજુરી મળે ત્યારબાદ શરતોનું પાલન કરીને વિદ્યાર્થીઓના હિતમાં સમાયંતરે ફેરફાર કરીએ છે..
આ તમામ વાદ વિવાદ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે, જો સમારકામને નામે બંધ કરાયેલી 8 જેટલી શાળાઓ બાંધકામ બાદ સમયસર શરૂ થઈ શકી હોત તો સમયાંતરે વિદ્યાર્થીઓની વધી રહી હોવાનો દાવો કરતા સ્કુલ બોર્ડમાં હાલ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોત. તો બીજી તરફ દાણીલીમડાની સ્કુલ તોડી પડયાના 5 વર્ષ બાદ પણ હાલ ચાલી રહેલું બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગતિ દર્શાવી રહી છે, જેની પર અનેક સવાલ પણ ઉભા થવા સ્વાભવિક છે.