અર્પણ કાયદાવાલા/અમદાવાદ :નવુ લોકાર્પણ કર્યા ટિકિટ વસૂલતુ તંત્ર ભૂલી જાય છે કે, તે જગ્યા પર મુસાફરોને મોકલવાની પણ એક લિમિટ હોય છે. કરોડોનો ખર્ચો કર્યા બાદ તેને વસૂલવા માટેના કામમાં જ તંત્ર લાગેલું હોય છે, અને જેના બાદ કેટલાક મુસાફરોએ વિઝિટ કરી તેની જાહેરાતો કરાતી હોય છે. આવામાં જ મોરબી પર હોનારત સર્જાઈ. તંત્રએ 17 રૂપિયામા મોત વેચ્યુ અને 132 લોકોએ જીવ ખોયો. આખરે મોરબીની હોનારતે તંત્રની સાન ઠેકાણે લાવી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું. મોરબી હોનારત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો કે, અટલ બ્રિજ ઉપર એક કલાકમાં મહત્તમ 3000 લોકોથી વધુને પ્રવેશ નહિ અપાય. અટલ બ્રિજની ક્ષમતા આમ તો 12,000 લોકોને એકસાથે સમાવવાની છે. છતા તકેદારીના ભાગરૂપે 3000 ની મર્યાદા કરવાનો નિર્ણય લેવાયો. દિવાળીની રજા અને તહેવારમાં અટલ બ્રિજ પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. જે દિવસે મોબરી હોનારત બની એ જ દિવસે રવિવારે અટલ બ્રિજ પર ક્ષમતા કરતા ચાર ગણા વધુ 38,000 લોકોએ દિવસભરમાં મુલાકાત લીધી હતી. જો મોરબી હોનારત બની ન હોત તો હજી પણ અમદાવાદનું તંત્ર રૂપિયા ગણવામાં જ મશગૂલ થયુ હોત. 


આ પણ વાંચો : સૂર્યગ્રહણને કારણે બની મોરબી દુર્ઘટના? અશુભ યોગ આફતો સર્જે છે, ભૂતકાળમાં છે પુરાવા


દ્વારકાનો સુદામા સેતુ પુલ બંધ કરાયો 
તો બીજી તરફ, મોરબીમાં બનેલ દર્દનાક ઘટના બાદ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દ્વારકા ખાતે આવેલ સુદામા સેતુ પુલ પર અવર-જવર પર તંત્ર દ્વારા બ્રેક લગાવાઈ છે. સુદામા સેતુ પુલ પર એક સાથે 100 જ લોકોને અવર જવરની છૂટ તંત્ર દ્વારા અપાઈ છે. કોઈ અકસ્માત ના બને તે હેતુથી ગોમતી ઘાટ તેમજ સુદામા સેતુ પુલ પર તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોકે બાદમાં આ પુલ લોકો માટે બંધ કરાયો હતો. શરૂઆતમાં તંત્ર દ્વારા લોકો ની મર્યાદા નક્કી કરાઇ હતી પરંતુ લોકોનો ટ્રાફિક વધતા પુલ બંધ કરાયો હતો. સલામતીના ભાગ રૂપે સુદામા સેતુ પર લોકોની અવર જવર બંધ કરાઈ.



અટલ બ્રિજ પરનો ટિકિટ ચાર્જ
વિઝિટર માટેની ટિકિટમાં 12 વર્ષની ઉંપરના લોકોને 30 રૂપિયા અને બાળકો તેમજ સિનિયર સિટિઝન માટે 15 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે વિકલાંગ લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. જોકે, બ્રિજ પર કોઈપણ વ્યક્તિ અડધો કલાકથી વધારે રોકાવા માંગશે તો ફરી તેણે ટિકિટ લેવી પડશે. 


બ્રિજની અન્ય ખાસિયતો વિશે જાણો
આ બ્રિજની લંબાઈ 300 મીટર છે, જ્યારે તેનો સ્પાન 100 મીટર જેટલો છે. બ્રિજની પહોળાઈ છેડે 10 મીટર અને વચ્ચે 14 મીટર જેટલી છે. જ્યારે આ બ્રિજનું વજન 2600 ટન છે. જે લોખંડના પાઈપોના સ્ટ્રક્ચરમાંથી બનેલો છે. રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત અહીં બનાવવામાં આવી છે. જ્યારે વચ્ચે વૂડન ફલોરિંગ અને બીજે ગ્રેનાઈટ ફ્લોરિંગનો ઉપયોગ કરાયો છે. અહીં પાઈલેશન પરના 2 પિલર પર આખો બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે.