વાહ રે AMC : જે ઘરે લોકોને મળવા જોઈતા હતા તે બધા જ મકાન ભાડે ચડાવી દીધા, પૈસા પ્રજાના પણ કૌભાંડ કોર્પોરેશનનું!
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા કેવો વહીવટ કરે છે? અને તેના સત્તાધીશો અને કૌભાંડી બાબુઓ પ્રજાને કેવી રીતે મુર્ખ બનાવે છે તેનો વધુ એક પુરાવો ઝી 24 કલાકને હાથ લાગ્યો છે. એકદમ હોશિયારીથી કરાયેલું આ કૌભાંડ તમને દેખીતી રીતે નહીં દેખાય.
ઝી બ્યુરો/અમદાવાદ: ભ્રષ્ટ વહીવટ કોને કહેવાય એ જોવો હોય તો તમારે અમદાવાદમાં આવવું પડે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ કેવી રીતે ગરીબોનો હક છીનવીને કોન્ટ્રાક્ટરોને કરોડોની કમાણી કરાવી રહ્યા છે? પ્રજાના પૈસાથી બનેલી મિલકતોને બારોબાર ભાડે ચડાવી મોટું કૌભાંડ કરી રહ્યા છે. આવા જ કૌભાંડનો ખુલાસો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં થયો છે. શું છે આ કૌભાંડ? કેવી રીતે કરાવી કોન્ટ્રાક્ટર્સને કરોડોની કમાણી?
- પ્રજાના પૈસાથી કોન્ટ્રાક્ટર્સને કરોડની કમાણી
- પૈસા પ્રજાના પણ કૌભાંડ કોર્પોરેશનનું!
- ભ્રષ્ટ અને નઘરોળ વહીવટનો થયો મોટો ખુલાસો
- કૌભાંડમાં મેયર અને કમિશનર પણ ભાગીદાર?
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મળી કટકી?
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા કેવો વહીવટ કરે છે? અને તેના સત્તાધીશો અને કૌભાંડી બાબુઓ પ્રજાને કેવી રીતે મુર્ખ બનાવે છે તેનો વધુ એક પુરાવો ઝી 24 કલાકને હાથ લાગ્યો છે. એકદમ હોશિયારીથી કરાયેલું આ કૌભાંડ તમને દેખીતી રીતે નહીં દેખાય. પરંતુ જ્યારે તમે આ વિસ્તૃત અહેવાલ જોશો તો તમારા પણ હોશ ઉડી જશે...આ કૌભાંડમાં જેતે વખતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેશનના કમિશનર પણ સંડોવાયેલા છે. આ તમામે સાથે મળી કોન્ટ્રાક્ટર્સ સાથે સેટિંગ કર્યું અને કોન્ટ્રાક્ટર્સને વગર મૂડીએ કરોડોની કમાણી કરવાનો પરવાનો આપી દીધો. કોન્ટ્રાક્ટર્સે પણ ટેબલ નીચેથી વહીવટ ચૂકવીને આ તક ઝડપી લીધી અને આજે તે મોટી રકમ કમાઈ રહ્યા છે. બીજી તરફ કોર્પોરેશનના હાલના સત્તાધીશો પ્રજાને મૂર્ખ બનાવવા કહી રહ્યા છે કે આવાસોને ભાડે આપીને કોર્પોરેશનને મોટી આવક થઈ છે.
સૌથી પહેલા તો તમે અમદાવાદના બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં બનેલા આ આવાસ...સુંદર મસ્ત મજાના દેખાતા આ આવાસોમાં જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ કાળી કમાણી કરી છે. તમને થશે કે આ આવાસમાં તો ઘર વિહોણા ગરીબો રહેતા હશે? પરંતુ ના, અહીં તો ભાડુઆતો રહે છે. એટલે કે કોર્પોરેશને પ્રજાના પૈસાથી બનેલા આ આવાસ ભાડે ચડાવી દીધા છે. અને ભાડુ લેવાનો પરવાનો કોન્ટ્રાક્ટરોને આપ્યો છે. જે ઘર ગરીબો માટે બનાવવામાં આવ્યા હતા તે ગરીબોને મળ્યા જ નથી. કેવી રીતે આમાં કૌભાંડ આચરવામાં આવ્યું તે પણ તમે સમજી લો..સૌથી પહેલા તો પ્રજાના 58 કરોડ રૂપિયાથી 1356 આવાસનું 2014માં નિર્માણ કરાયું. નિર્માણ પછી આવાસની ફાળવણી કરી દેવાની હોય છે. પરંતુ કોર્પોરેશને તે ન કરી અને આવાસો ક્ષતિગ્રસ્ત થઈ ગયા. ત્યારપછી વર્ષ 2021માં રિનોવેશન કોન્ટ્રાક્ટર્સ પાસે કરાવ્યું. એટલે કે જાણી જોઈને નવા નક્કોર આવાસને ખખડવા દીધા. પછી કોન્ટ્રાક્ટર્સને રિનોવેશનના નામે લાખો રૂપિયા ચુકવ્યા. ત્યારપછી ખરેખર જે ઘરે લોકોને મળવા જોઈતા હતા તે બધા જ મકાન ભાડે ચડાવી દીધા છે.
- કોર્પોરેશને કેવી રીતે કર્યું કૌભાંડ?
- પ્રજાના 58 કરોડથી 1356 આવાસનું 2014માં નિર્માણ કરાયું
- નિર્માણ પછી આવાસની ફાળવણી કરવાની હોય છે, પણ ન કરી
- આવાસો ક્ષતિગ્રસ્ત થઈ ગયા
- વર્ષ 2021માં રિનોવેશન કોન્ટ્રાક્ટર્સ પાસે કરાવ્યું
- જાણી જોઈને નવા નક્કોર આવાસને ખખડવા દીધા
- કોન્ટ્રાક્ટર્સને રિનોવેશનના નામે લાખો રૂપિયા ચુકવ્યા
- જે ઘરે લોકોને મળવા જોઈતા હતા તે બધા જ મકાન ભાડે ચડાવી દીધા
કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ ખુબ જ હોશિયારી વાપરી મોટી કાળી કમાણી પ્રજાના પૈસાથી કરી છે. એટલે કે વગર પૈસે એવો ધંધો કરી દીધો કે કોઈને ગંધ પણ ન આવે. ઉપરથી એવો દેખાડો કર્યો કે મકાન ભાડે ચડાવીને અમે કોર્પોરેશનમાં મોટી આવક કરીએ છીએ. અરે કોર્પોરેશનના ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓ તમે ભોળી પ્રજાને છેતરી શકો પણ જાગૃત મીડિયાને નહીં. તમે ઉલ્લુ બનાવવાનું કેવું નાટક કર્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. અને આ છેતરનારા બીજા કોઈ નહીં પણ જ્યારે ઘર બન્યા તે વખતના મેયર મિનાક્ષી પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલ અને તે વખતના કમિશનર ડી.થારા હતા. હવે જ્યારે 2021માં મકાનોનું રિનોવેશન કરાયું ત્યારે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેષ બારોટ અને કમિશનર મુકેશ કુમાર હતા.
- કોણે પ્રજાને બનાવી મુર્ખ?
- ઘર બન્યા તે વખતના મેયર મિનાક્ષી પટેલ
- ઘર બન્યા તે વખતના સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલ
- ઘર બન્યા તે વખતના કમિશનર ડી.થારા
- 2021માં મકાનોનું રિનોવેશન તે વખતના મેયર કિરીટ પરમાર
- રિનોવેશન કરાયું તે વખતના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેષ બારોટ
- રિનોવેશન કરાયું તે વખતના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર
કોર્પોરેશનના આ જ સત્તાધીશો અને અધિકારીઓએ આવાસ યોજનાના નામે કટકી કરી હોઈ શકે છે. હવે ભાડાની આવકના નામે કોર્પોરેશનમાં આવક બતાવવાનો ખેલ થઈ રહ્યો છે. હાલ મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી અને કમિશનર થેન્નારસન છે. જે આવાસના મકાન જે વ્યક્તિને લાગ્યું હોય તે પોતે ભાડે આપી શક્તો નથી. પરંતુ કોર્પોરેશન મકાન ઈચ્છા મુજબ ભાડે ચડાવી દે છે. આવું બેવડું વલણ કેમ તે પણ એક સવાલ છે. અમદાવાદ કોર્પોરેશને હજુ પણ અનેક આવાસના મકાનોને ભાડે ચડાવી દેવાનો કિમીયો ઘડી કાઢ્યો છે અને વધુ કેટલાક મકાનો આવી જ રીતે બારોબાર ભાડે ચડાવી વધુ એક કૌભાંડ કોર્પોરેશનના સત્તાધીશો આચરે તો નવાઈ નહીં.