આજે આખા અમદાવાદમાં ક્યાંય સફાઈકામ નહિ થાય, 20,000 કર્મચારીઓ છે હડતાળ પર
- અમદાવાદમાં સફાઈ કામદારો કોઈ પણ રેલી, સૂત્રોચ્ચાર વગર શાંતિપૂર્ણ રીતે કામથી દૂર રહ્યાં છે.
- તેઓએ કહ્યું કે, કોરોના છે, પણ અનુસૂચિત સમાજની દીકરી માટે અમે એક દિવસની હડતાળ યોજી છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આજે આખા અમદાવાદમાં ક્યાંય સફાઈકામ નહિ થાય. કારણ કે, એએમસીના સફાઈકર્મીઓ આજે એક દિવસની હડતાળ પર ઉતર્યાં છે. હાથરસ (hathras)માં બનેલી ઘટનાને પગલે amc ના સફાઈકમદારો એક દિવસ સફાઈ નહિ કરે. હાથરસની પીડિતાના આરોપીઓને ઝડપી અને કડક સજા થાય તેવી માંગ સાથે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા એક દિવસની હડતાળ જાહેર કરાઈ છે. જેથી હાથરસ ઘટનાના વિરોધમાં 20000 સફાઈકર્મીઓ કામથી અળગા રહ્યા છે. તેઓએ કહ્યું કે, કોરોના છે, પણ અનુસૂચિત સમાજની દીકરી માટે અમે એક દિવસની હડતાળ યોજી છે. આમ, સમગ્ર અમદાવાદમાં સફાઈ કામદારો કોઈ પણ રેલી, સૂત્રોચ્ચાર વગર શાંતિપૂર્ણ રીતે કામથી દૂર રહ્યાં છે.
આ પણ વાંચો : ગુજરાતની આ દુર્ગમ પહાડીઓમાં થયો જાદુ, અહી પથ્થરો પણ કરે છે વાતો
શાંતિપૂર્ણ રીતે વિરોધ
આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ન તો વિરોધ પ્રદર્શન, ન કોઈ જાહેર સભા. કોરોનાને ધ્યાનમાં રાખીને સફાઈ કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
દલિત યુવતી પર થયેલા કથિત કથિત ગેંગરેપ અને હત્યાના વિરોધમાં મંગળવારે સમગ્ર અમદાવાદ શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સામુહિક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કનોકર મંડળ દ્વારા આ મુદ્દે જણાવાયું કે, હાથરસની યુવતી પર થયેલા ગેંગરેપ મુદ્દે ન્યાયની માંગ સાથે શહેરમાં એક દિવસ પુરતી સફાઇની કામગીરી બંધ રાખવામાં આવશે. શહેરના 20 હજારથી વધારે સફાઇ કર્મચારીઓ મંગળવારે શહેરમાંથી કચરો નહી ઉપાડે. આ યુવતી પર અત્યાચારનો સમગ્ર અનુસૂચિત સમાજ વિરોધ કરી રહ્યું છે.
આ ઘટનામાં યુવતીનાં પરિવારને ન્યાય મળે તેવી નોકર મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારે 10 લોકો શાંતિપુર્વક વિરોધ કરીને સુભાષબ્રિજ ખાતે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પણ આપશે. પરિવારને ન્યાય મળે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ઠેર ઠેર ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.