અતુલ તિવારી/ અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓનું સ્તર અત્યંત નીચું જતું રહ્યું છે. અમદાવાદમાં મોટાભાગની સરકારી શાળાઓ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત છે. સ્કૂલ બોર્ડની ટીમ દ્વારા હાઈટેક સ્કૂલોના નિર્માણ માટે એક વિશેષ સરવે કરવામાં આવ્યો છે. વળી, ખાનગી સ્કૂલો દ્વારા ઉઘારાવાતી તોતિંગ ફીથી કંટાળીને પણ હવે અનેક વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે, જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી શાળાઓની તોતિંગ ફીથી કંટાળ્યા વાલીઓ
શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા વિશેષ સુવિધાઓના નામે તોતિંગ ફી ઉઘરાવામાં આવે છે. આ ફી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પોસાય તેમ નથી. આ વર્ષે ખાનગી સ્કૂલમાંથી નામ કાઢીને અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. તાજા આંકડા અનુસાર આ વર્ષે ધોરણ-2થી ધોરણ-8માં 3200 જેટલા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રવેશ લીધો છે. 


વાલીઓ હવે ખાનગી સ્કૂલ દ્વારા ઉઘરાવાતી મોટી ફીથી કંટાળી ગયા છે. વળી, કોર્પોરેશન દ્વારા હવે અંગ્રેજી માધ્યમની પણ શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે વાલીઓએ સરકારી શાળા તરફ મુખ કર્યું છે. 


30% કરતા નીચું પરિણામ ધરાવતી શાળાની સમીક્ષા કરાશે
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 3 જુલાઈના રોજ શહેરમાં 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકમાં કયા કારણોસર શાળાનું પરિણામ નીચું આવ્યું તેની સમીક્ષા કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં સતત 3 વર્ષથી 30% કરતા નીચું પરિણામવાળી 16 શાળાઓ છે. વર્ષ 2018-19ના શૈક્ષણિક સત્રમાં 30% કરતા ઓછું પરિણામ ધરાવતી ધોરણ 10 અને 12ની કુલ 39 શાળાઓ છે. હવે, આ પ્રકારે નીચું પરિણામ ધરાવતી શાળાઓનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આખું વર્ષ મોનિટરિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.


કોર્પોરેશનની હાઈટેક સ્કૂલો અમદાવાદની ખાનગી સ્કૂલોને આપશે ટક્કર
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ખાનગી શાળાઓને ટક્કર આપવા માટે શહેરમાં 10 નવી હાઈટેક સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે કોર્પોરેશન સ્કૂલ બોર્ડની ટીમે સર્વે શરુ કર્યો છે. પ્રત્યેક શાળા દીઠ રૂ.10 કરોડ એમ કુલ રૂ. 100 કરોડના ખર્ચે આ શાળાઓનું નિર્માણ કરાશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની આ હાઈટેક સ્કૂલમાં સ્વિમિંગપુલ પણ તૈયાર કરાશે. આ હાઈટેક શાળાઓ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમની રહેશે. શહેરના પૂર્વ વિસ્તાર એવા લાંભા, નરોડા, વસ્ત્રાલ, બાપુનગર, સરસપુર, અસારવા, વટવા અને નિકોલમાં આ હાઈટેક સ્કૂલોનું નિર્માણ કરાશે. 


જૂઓ LIVE TV.....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....