અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આવામાં એએમસીનું તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ (ahmedabad) માં ચાની દુકાનો તેમજ ભીડભાડવાળી જગ્યાઓને બંધ  કરાવવામાં આવી રહી છે, જેથી સંક્રમણ ન વધે. ત્યારે ગુરુવારે રાત્રે કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર વધુ 6 એકમ સીલ કરવામાં આવ્યા હતા. Amc દ્વારા સિન્ધુ ભવન રોડ, એસજી હાઇવે પર કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગત મોડી રાતે 6 સ્ટોલ સીલ કર્યા હતા, જ્યાં યુવાઓના ટોળા એકઠા થતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું શું સીલ કર્યું  
સિંધુ ભવન રોડ પર એએમસી દ્વારા જે કાર્યવાહી કરાઈ, તેમાં શુંભુ કોફીબાર, ડોન કા અડ્ડા, એન્જિનિયર ઇન કિચન, રતલામ કેફે સહિત 6 સ્ટોલ સીલ કરાયા છે. 


તો ગઈકાલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશને amc દ્વારા કોરોના ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા હતા. વધુ 1221 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા, જેમાં 23 કેસ પોઝિટિવ મળ્યા હતા. રેલવેની અવરજવર શરૂ થતા અમદાવાદ સ્ટેશન પર બહારથી આવનારા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. આવામાં અહીંથી શહેરમાં જતા સંક્રમણને અટકાવવા માટે એએમસી દ્વારા રેપિડ ટેસ્ટ વધારાયા છે. 


Amc માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી ગુરુવારે રાત્રે જાહેર કરી હતી. જે મુજબ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મોટો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના નવા 10 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 35 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 253 પર પહોંચી છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લગભગ દરેક શહેરોમાં કોરોનાના હાહાકાર છે. કોરોનાના કેસ વધી રહ્યા છે, સામે હોસ્પિટલમાં સારવાર માટે લોકોને જગ્યા નથી મળી રહી. ત્યારે ફરીથી લોકડાઉન (lockdown) લાગુ થાય તેવી વાતો વહેતી થઈ હતી. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) લોકડાઉન અંગે સ્પષ્ટતા કરી છે. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, લોકડાઉન અંગે રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી. ગુજરાતમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં આવે. સોશિયલ મીડિયામાં ચાલતી અફવાથી લોકો દૂર રહે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતમાં બધુ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્યમાં લોકડાઉનની કોઈ જરૂરિયાત જણાતી નથી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા સરકાર સફળ રહી છે.