અર્પણ કાયદાવાલા/અમદાવાદ: જાહેર સમસ્યાઓના નિરાકરણ માટે અમદાવાદ મહાનગર પાલિકાએ હવે ડ્રોનનો સહારો લીધો છે. રખડતાં ઢોર, રસ્તા પર દબાણ, પાર્કિંગ અને ખરાબ રસ્તાની સમસ્યા તેમજ સ્વચ્છતા જેવા મુદ્દાનું નિરાકરણ હવે ડ્રોન દ્વારા લાવવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત પણ કરાઈ છે. નજીકના ભવિષ્યમાં આ પ્રકારના દ્રશ્યો તમને અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા છે. જેમાં કોર્પોરેશનની ટીમ જમીનની સાથે આકાશમાંથી પણ શહેર પર નજર રાખશે. જો તમે શહેરના આકાશમાં ઉડતું ડ્રોન જુઓ તો સમજી લેજો કે તંત્રની ત્રીજી આંખ કામ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ પ્રયોગ હાથ ધર્યો
રખડતાં ઢોરોની સમસ્યા હોય કે માર્ગો પર દબાણ, પાર્કિંગની સમસ્યા હોય કે તૂટેલા રોડ, BRTSની રેલિંગ તૂટેલી હોય કે કચરાના ઢગલા પર નજર રાખવાનું કામ, આ તમામ કવાયત ડ્રોનની મદદથી કરવાની શરૂઆત કરાઈ છે. મહાનગર પાલિકાએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ પ્રયોગ હાથ ધર્યો છે. બુધવારે પાંજરાપોળ ચાર રસ્તાથી એલડી કોલેજ સુધી આ માટેનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. ડ્રોનની મદદથી આ પટ્ટા પર નજર રાખવામાં આવી. રિવરફ્રન્ટ હાઉસમાં આ લાઈવ દ્રશ્યોને મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાની ટીમે જોયા હતા. મોટી સ્ક્રીન પર પાયલટ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરવામાં આવ્યું. 3 મહિના સુધી પાયલટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે, જેના આધારે પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ મોકળો થશે.


લોકોની સમસ્યા ઉકેલવા માટે ટેક્નોલોજીની મદદ
આ સમગ્ર કવાયત માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી ડ્રોનથી મળતા ઈનપુટને સંબંધિત વિભાગને મોકલવામાં આવશે. આ ડેટાના આધારે જે-તે વિભાગ કામગીરી કરશે. GFXOUT જો આ પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં તેનો સાર્વત્રિક ઉપયોગ કરવામાં આવશે. અગાઉ મનપાએ શહેરમાં રખડતાં ઢોર પકડવા માટે પણ ડ્રોનની મદદ લીધી હતી. લોકોની સમસ્યા ઉકેલવા માટે ટેક્નોલોજીની મદદ લેવાનો આ પ્રયોગ આવકારદાયક છે. જો કે આ સમગ્ર કવાયતનો લાભ છેવટે જનતાને થવો જોઈએ, તંત્રની કામગીરી વધુ કાર્યક્ષમ બનવી જોઈએ. આ કવાયત ફક્ત દેખાડો ન બની રહે, તે જોવું જરૂરી છે.