• પાલનપુરના અનાથ બાળકને અમેરિકન માતા-પિતા મળતાં દત્તક આપવાનો કાર્યક્રમ યોજાયો

  • કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા પાલનપુર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થામાં દાતાઓ દ્વારા મેડીકલ સાધનો અપાયા


અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લામાં 1 થી ૧૮ વર્ષના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોના આશ્રય માટે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્શન એજન્સી આ બંન્ને સંસ્થાઓ કાર્યરત છે. સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્શન એજન્સીના અનાથ બાળક નીરજને અમેરિકાના વાલીને દત્તકમાં આપવા માટેનો કાર્યક્રમ પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસ્થાના ગેટ પર બાળકને છોડીને જતા રહ્યા હતા 
બાળક નીરજના જન્મથી લઇ અમેરિકન માતા-પિતા મળવા સુધી સફર આ પ્રમાણે છે. 2019 ના 20 માર્ચના રોજ રાત્રે 8.30 કલાકે પાલનપુર ખાતે સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઇ અજાણી વ્યક્તિ કુમળા ફુલ જેવા નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હતું. જેની જાણ સંસ્થાના કર્મચારીને થતાં તાત્કાલીક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનને કરવામાં આવી હતી. અને બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. જ્યાં સંસ્થા દ્વારા આ બાળકને નીરજ નામ આપવામાં આવ્યું હતું. જન્મ સમયે નીજનું વજન માત્ર ૯૦૦ ગ્રામ હોવાથી તેને 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી. તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી એમ.આર.આઇ. કરાવી વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. 


અનાથ નીરજને અમેરિકન માતાપિતા મળ્યા 
વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ અને સારવાર કરાવતાં ખબર પડી કે બાળક નીરજ અધુરા માસે જન્મેલ હોવાથી તેને મગજના લકવાની બીમારી છે. તેથી આ બાળકને સ્પેશિયલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું. બાળક નીરજને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લિગલી ફ્રી ફોર એડોપ્શન જાહેર કરતાં દત્તક આપવાની પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યું હતું. બાળક નીરજ સ્પેશ્યલ નીડ બાળક હોવાથી ગાઇડલાઇન મુજબ ઇન્ટરકન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના દંપતી લોરીઅન્સ ઓલીવર વોઘન અને મેડલીન ડોરી વોઘને નીરજને દત્તક લેવા માટે પસંદ કર્યુ હતું. એડોપ્શન બાદ નીરજનું નવું નામ જોશિયા નીરજ બોઘન રાખવામાં આવ્યું છે. બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઇ નહોતું તેને નવા માતા-પિતા, નવો દેશ સાથે નવી જિંદગીની સફર શરૂ થઈ છે.