અમદાવાદ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ પોતાના પહેલા ભારત પ્રવાસે આવી રહ્યાં છે. ભારત પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા અમદાવાદ આવવાના છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ભવ્ય રોડ શોમાં સામેલ થવાના છે તેવી માહિતી મળી છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. સૂત્રોએ બુધવારે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં નવા બનેલા ક્રિકેટ સ્ટેડિયમનું પણ ઉદ્ધાટન કરશે. તેમણે જણાવ્યું કે તેઓ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી શકે છે. સરકારી તંત્ર અને એજન્સીના કર્મચારીઓને તૈયારીઓ કરવાના નિર્દેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ શોમાં લેશે ભાગ
સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત દરમિયાન ટ્રમ્પ વિશાળ રોડ શોમાં ભાગ લેશે. આ રોડ શો માટે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના 10 કિલોમીટર સુધીના રસ્તાને સજાવવામાં આવ્યો છે. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. સાબરમતી આશ્રમ એ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખુબ મહત્વનું યોગદાન ધરાવે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ત્યારબાદ ટ્રમ્પ અને પીએમ મોદી શહેરના મોટેરા વિસ્તારમાં હાલમાં જ બનાવવામાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે અને સભાને સંબોધશે. 


એક લાખથી વધુ લોકો થશે સામેલ
આ સભામાં એક લાખથી વધુ લોકો સામેલ થાય તેવી આશા છે. તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમ ગત વર્ષે અમેરિકામાં ધયેલા હાઉડી મોદી કાર્યક્રમ જેવો હશે. મોદી અને ટ્રમ્પે ગત વર્ષ સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં મંચ શેર કર્યો હતો અને 50,000 ભારતીય-અમેરિકનોની ભીડને સંબોધન કર્યું હતું. અત્રે જણાવવાનું કે લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિના આગામી પ્રવાસને 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ નામ આપ્યું છે. આ અગાઉ એક અધિકારીએ કહ્યું હતું કે મોટેરા સ્ટેડિયમમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે. જે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતા પણ વધુ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube