બ્રિજેશ દોશી/ગાંધીનગર :લોકસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. આજે 3 લોકસભા બેઠકો બારડોલી, કચ્છ અને ગાંધીનગર માટે નિરિક્ષકોએ સેન્સ લીધું, ત્યારે હવે ગાંધીનગર બેઠક ભાજપના ગઢ સમાન બેઠક છે. જ્યાં અત્યાર સુધી તો પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે, ત્યારે આ બેઠક પર કયા દાવેદારો આવશે તેના પર સૌની નજર રહશે. પરંતુ ભાજપના સૂત્રો માની રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ બેઠક પરથી ઝંપલાવી શકે તેમ છે. આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતાઓ લડતા રહ્યા છે, ત્યારે આ વખતે લાલકૃષ્ણ અડવાણી લડશે કે પછી અમિત શાહ જેવા દિગ્ગજ નેતા તે જોવાનું રહેશે. આ ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય કિશોર ચૌહાણે અમિત શાહના નામની રજૂઆત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદીબેનનું નામ ચર્ચાતું હતું
ગાંધીનગર લોકસભા બેઠક માટે ધારાસભ્ય કિશોર ચૌહાણે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની રજૂઆત કરી છે. ત્યારે તમામ વિધાનસભાના આગેવાનોએ એક સૂર બતાવ્યો છે. પરંતુ ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા અને સતત છ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ આવતા લાલકૃષ્ણ અડવાણીનું નામ કોઈએ લીધું ન હતું. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ અમિત શાહ અને આનંદીબેન પટેલનું નામ ચર્ચાતુ હતું, ત્યારે હવે ધારાસભ્ય અમિત શાહના નામ પર એકમત થયા છે.  


અમિત શાહના નામની રજૂઆત
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરની બેઠક ખૂબ જ અગત્યની છે. આ સીટ પર શીર્ષ નેતૃત્વ જ લડે છે. આ બેઠકની 4-5 બેઠક પર અસર પડે છે. અમિત શાહની જૂની વિધાનસભા અને નવી વિધાનસભા આ જ લોકસભા હેઠળ આવે છે. ધારાસભ્ય કિશોર ચૌહાણે કહ્યું કે, અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની સાથે સ્થાનિક નેતા પણ રહ્યા છે. એટલે મેં પ્રસ્તાવ મુક્યો અને તમામ આગેવાનોએ એકસૂરે તે સ્વીકાર્યું છે. જોકે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં નિરીક્ષકે જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે ગાંધીનગર બેઠક પરથી કોઇપણ રાષ્ટ્રીય નેતૃત્વ ચૂંટણી લડે શકે છે.


ગાંધીનગર બેઠકનું ગણિત
ગાંધીનગર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠક છે, જે પૈકી 5 બેઠકો પર ભાજપનો કબજો છે. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. ગાંધીનગર ઉત્તર પર ધારાસભ્ય સી. જે. ચાવડા છે, જેઓ કૉંગ્રેસના છે. જ્યારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ કૉંગ્રેસના છે. બાકીના તમામ ધારાસભ્યો ભાજપના છે.