Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણા અને ભરૂચમાં સભા સંબોધી હતી. હવે બપોર બાદ ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું "ભૂત" છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે. તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખભાઈ એવું ભૂત છે જે ગામે ગામે ના ગયું હોય: શાહ
અમિત શાહે સભામાં હાજર લોકોને સંબોધીને કહ્યું કે, મનસુખભાઈ એવું ભૂત છે જે ગામે ગામે ના ગયું હોય. કોઈ અર્બન નક્સલી ના આવી જાય તેનું ધ્યાન રાખજો. તમે ભૂલ ન કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ એ આદિવાસી વિરોધી પાર્ટી નથી. પરંતુ હા...આપ પાર્ટી એ આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે. વાજપેયીજીની સરકારે આદિવાસીઓ માટે ખાસ મંત્રાલય બનાવ્યું હતું. આ મોદીજી હતા કે તેઓએ એક આદિવાસીને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા
અને આપ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવાં વાળી પાર્ટી છે. દેશભરમાં 200 કરોડના ખર્ચે 10 આદિવાસી સ્વાતંત્ર સેનાનીઓના મ્યુઝિયમ બનાવાયા છે.



આ બંને જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે: શાહ
અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે આ સીકલ સેલ કયા પ્રકારનો રોગ છે. હું કોંગ્રેસને પૂછું છું કે 10 વર્ષ કેન્દ્રમાં સોનિયા મનમોહનની સરકાર હતી તો આદિવાસીઓ માટેનું બજેટ કેટલું હતું??? કોંગ્રેસમાં ફક્ત 28000 કરોડ બજેટ હતું, જ્યારે ભાજપે 1.10 લાખ કરોડ બજેટ આપ્યું છે. એકલવ્ય શાળા સહિત અનેક યોજનાઓ શરૂ કરી છે. મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું, નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસીની અનામતને હાથ લગાડશે પણ નહી અને લગાડવા માંગતા પણ નથી, કોંગ્રેસ અને આપ પાર્ટી... આ બંને જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે. તમારા ગામમાં વાત કરજો આ ચૈતર વસાવા જુઠાણું ફેલાવવાની વાત કરે છે. કોંગ્રેસ એ સતત જૂઠાણાં ચલાવે છે અને આપ એ જુઠાણાંના સરદારોની પાર્ટી છે.


હું ખાતરી આપું છું કે UCC થી આદિવાસીઓને કંઈ નહીં થાય: અમિત શાહ
અમિત શાહે જણાવ્યું હતું કે, હું ખાતરી આપું છું કે UCC થી આદિવાસીઓને કંઈ નહીં થાય. UCCનું બિલ મેં જોયું છે, તમને કોઈ નુકશાન નહીં થાય. આ ચૈતર વસાવા જૂઠાણાં ફેલાવે છે. 70 વર્ષ સુધી 370ની કલમને દત્તક છોકરાની જેમ રમાડતા હતા, જ્યારે નરેન્દ્રભાઈએ કલમ સમાપ્ત કરી. કોંગ્રેસ વાળા 370 ની કલમને દત્તક છોકરાની જેમ ખોળામાં રમાડ રમાડ કરતા હતા. કોંગ્રેસ પાર્ટીએ મુસલમાનોને અનામત આપવાની વાત કરી, હવે ST SC અને OBC ની છીનવવાની વાત કરે છે. ભાજપ છે ત્યાં સુધી ધર્મના આધારે ક્યારેય અનામત લાગુ કરવા દેશે નહીં. 


મનસુખ વસાવા બવ ચીપકું માણસ છે, સતત જીત જીત કરે છે: શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, મનસુખ વસાવા બવ ચીપકું માણસ છે, સતત જીત જીત કરે છે, આ વખતે પણ તેઓ જીતવાના છે. પોતે કરેલા કામ તેઓ લોકો સુધી બોલીને જણાવતા જ નથી. મોદીજીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી એમાં કોંગ્રેસ અને એના તમામ નેતાઓને આમંત્રણ આપ્યું હતું, પણ પોતાની વોટબેન્કને સાચવવા સોનિયાજી, રાહુલજી કે ખડગેજી ત્યાં ન ગયા. હવે તમે એમ કહો કે આવા લોકો સાથે રહેવાય કે ન રહેવાય?? હું ભરૂચ એટલા માટે આવ્યો છું કેમ કે હું ચૈતર વસાવા અને આપને ઓળખું છું. જો તેઓ આવશે તો બંધ થયેલો ખંડણી ઉઘરાવવાનો "બિઝનેસ" ફરી શરૂ થઇ જશે. આદિવાસીઓ પાસેથી ખંડણી ઉઘરાવી જમીનો છીનવી લેવાશે. 


વડોદરા શહેરમાં રોડ શો પણ કરશે શાહ
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ વડોદરા શહેરમાં રોડ શો પણ કરવાના છે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.