અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં મહત્વનું છે કે, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે હાઇલેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. 1 કલાકથી પણ વધારે લાંબી ચાલેલી બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, લોકો લાઇનોમાં ઉભા છે. તેમના સુધી સુવિધા કયા કારણથી નથી પહોંચી રહી. દાખલ થવા માટે લોકો દિવસો સુધી ઉભા રહે છે. કયા કારણથી કોરોના હોસ્પિટલની બહાર લાંબી લાંબી લાઇનો શા માટે લાગી રહી છે.વ્યવસ્થા કેમ પુરી પાડવામાં નથી આવી રહી. તે અંગે પણ જવાબ માંગ્યો હતો. 


દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા વેઈટીંગ સમય ઘટાડવા માટે પણ તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓને જનપ્રતિનિધિ સાથે પણ સંવાદ કરવા માટે સુચના આપી હતી. ગુજરાતમાં દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ જ નારાજ થયા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ધન્વંતરિ રથ દ્વારા ક્યાં અને કેવી કામગીરી કરવામાં આવે છે તે અંગેનો અહેવાલ પણ તેમણે માંગ્યો હતો. 


દર્દીઓ ને હાલાકી ઓછી થાય તે દિશામાં વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગુજરાત મોડેલ થકી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ખ્યાતી અને નામના પ્રાપ્ત કરી તે ગુજરાત મોડેલ હાલ કોરોના કાળમાં ધ્વસ્ત થઇ ચુક્યું છે. લોકો ટેસ્ટિંગથી માંડીને સ્મશાન સુધી લાઇનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. આ ઉપરાંત અધિકારીઓ સરકારનાં કાબુમાં નહી હોવાની વાતો પણ અવાર નવાર આવતી રહે છે. તેવામાં અમિત શાહે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube