અમદાવાદ :સવારના ટકોરે મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી હતી. જ્યાં એક તરફ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા, ત્યાં બીજી તરફ દિગ્ગજ નેતાઓ પણ વહેલી સવારમાં વોટિંગ કરી રહ્યાં છે. પીએમ મોદીએ જ્યાં રાણીપમાં વોટ આપ્યો, ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ વોટ આપવા માટે નારણપુરા સબઝોનલ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતદાન પ્રોસેસ શરૂ થયા બાદ તરત તેઓ પોતાના ઘરથી નારણપુરા જવા નીકળી ગયા હતા. જ્યાં તેમને જોવા માટે લોકોની ભીડ જામી હતી. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેમણે વોટ આપ્યો હતો. અમિત શાહનું એક કાર્યકરે ઘર બહાર નીકળતા કમળનું ફુલ આપી સ્વાગત કર્યુ હતું. તેના બાદ તેઓ પીએમ મોદી માટે રાણીપ પહોંચ્યા હતા. તેઓ પીએમના મતદાન સમયે છેલ્લી ઘડી સુધી તેમની સાથે રહ્યા હતા. જેના બાદ તેમણે પોતાના મત વિસ્તાર નારણપુરામાં મતદાન કર્યું હતું. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું હતું. વોટિંગ આપતા સમયે તેમની વ્હાલસોયી પ્રૌત્રી પણ તેમની પડખે જ રહી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ભરતા સમયે પણ અમિત શાહનો આખો પરિવાર તથા તેમની પૌત્રી તેમની સાથે રહ્યા હતા. 


અમિત શાહે મતદાન બાદ આપ્યું નિવેદન, કહ્યું...
મતદાન કર્યા બાદ અમિત શાહે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ગુજરાતની 26 બેઠકો પર ઉત્સાહજનક મતદાનના અહેવાલ છે. દેશભરના મતદારોને અપીલ કરતા કહ્યું કે ભારે સંખ્યામાં બહાર નીકળીને લોકતંત્રના ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવો. તમારો એક મત દેશને સુરક્ષિત કરી શકે છે. દેશને સમર્થ બનાવી શકે છે, સમૃદ્ધ બનાવી શકે છે, દેશને વિકાસના પાટા પર ચઢાવી શકે છે. ખાસ કરીને યુવાઓ અને જેમને પ્રથમવાર મતાધિકાર મળ્યો છે તેમને અપીલ છે કે તમારે ભવિષ્યના ભારતના નિર્માણ માટે મતદાન કરવાનું છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તથા દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે મતદાન કરવાની લોકોને અપીલ કરી.


ઉલ્લેખનીય છે કે, અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, જ્યાં કોંગ્રેસે તેમની સામે સી.જે.ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. ગાંધીનગર બેઠક પહેલેથી જ ભાજપનો ગઢ ગણાય છે. આ સીટ પરથી અત્યાર સુધી ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી લડી રહ્યા હતા, અને તેઓ સતત જીત્યા છે. ત્યારે અમિત શાહ માટે ગાંધીનગર બેઠક પર માત્ર જીત જ મહત્વની નથી, પરંતુ સારી લીડ સાથે જીતવુ પણ મહત્વનું બની ગયું છે. 


લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ જાણો